વાવ-થરાદ પંથકમાં આવેલા લેડાઉ ગામમાં કુદરતી આફત બાદ સર્જાયેલી સમસ્યાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આઠ મહિના અગાઉ આવેલા પૂરના પાણી હજુ પણ ગામના પાદરે અને મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા હોવાથી ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
લેડાઉ ગામના વરિષ્ઠ નાગરિકો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધી ગામના ગુંદરે તળાવો અને સીમમાં જવાના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે. ખેતરમાં જવા માટે કે આજુબાજુના ગામોમાં પહોંચવા માટેનો મુખ્ય માર્ગ બંધ થઈ જતાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. આઠ-આઠ મહિના વીતી ગયા હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સરકાર અને વહીવટી તંત્ર આ ગંભીર પ્રશ્ને સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. અંતે થાકીને ગામના લોકોએ એકઠા થઈ ફાળો ઉઘરાવી અને પોતાની જમીનો ગીરે મૂકીને પણ લાખો રૂપિયાના ખર્ચે ટ્રોલીઓ ઠાલવી રસ્તો બનાવવાની ફરજ પડી છે. લોકશાહીમાં જ્યારે જનતાએ પોતાના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરવી પડતી હોય ત્યારે તંત્રની ભૂમિકા સામે મોટા સવાલો ઊભા થયા છે

પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અન્ય સ્થાનિક આગેવાનોએ પણ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ખોટા વાયદા આપનારા રાજકારણીઓ અત્યારે પ્રજાની પીડા જોવા તૈયાર નથી. જ્યારે ભાજપના શાસનમાં વિકાસની વાતો થાય છે, ત્યારે લેડાઉ ગામના લોકો આજે પણ પાણીમાં ચાલીને અવરજવર કરવા મજબૂર છે, અગાઉ મંજૂર થયેલા રસ્તાઓ પણ રાજકીય કિન્નાખોરી રાખીને રદ કરવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે


