દેવાધિદેવ મહાદેવ, ભગવાન શ્રી રામ, રામદેવજી મહાપ્રભુ તથા માં આદ્યશક્તિના આશીર્વાદથી તેમજ સ્વ. હીરાલાલભાઈ બાબુભાઈ મસાણીની પાવન સ્મૃતિમાં શ્રી ગણેશ સત્સંગ મંડળ, ખારવા વાડ – પોરબંદર દ્વારા લોકકલ્યાણના હેતુસર ભવ્ય અને દિવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાવન ધાર્મિક મહોત્સવમાં વ્યાસપીઠ પર પોરબંદરનું ગૌરવ ગણાતાં પરમ આદરણીય શ્રીમતી માધુરીબેન ગોસ્વામી બિરાજમાન રહી પોતાની ભાવસભર, સંસ્કારસભર અને હૃદયસ્પર્શી શૈલીમાં ભગવાન શ્રી રામના જીવનચરિત્રનું અમૃતરસ પાન કરાવશે. તેમની કથાઓ શ્રોતાઓના હૃદયને સ્પર્શી સત્ય, ધર્મ, કર્તવ્ય, સંયમ અને સેવા જેવા માનવ મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપનારી રહેશે.
આ શ્રી રામકથા લોકહિતના ઉદ્દેશ સાથે આયોજિત કરવામાં આવી છે, જેમાં મુખ્ય હેતુ સનાતન ધર્મ વિશે સમાજમાં જાગૃતિ લાવવાનો તથા સનાતન ધર્મની સાચી સમજ દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. વર્તમાન સમયમાં ભૌતિકતામાં ભૂલાતી જઈ રહેલી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ આ કથાના માધ્યમથી લેવામાં આવ્યો છે.
શ્રી રામકથાનો પ્રારંભ તા.૨૫/૧૨/૨૦૨૫, ગુરુવારથી થશે અને તા.૦૨/૦૧/૨૦૨૬, મંગળવારના રોજ પૂર્ણાહુતિ થશે. આ દરમિયાન દરરોજ બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી કથાનું આયોજન રાખવામાં આવ્યું છે.
આ પાવન શ્રી રામકથાનું આયોજન શ્રી સાગર ભુવન હોલ, ખારવા વાડ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોની સુવિધા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન ધર્મના રક્ષક, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પાવન કથાનું અમૃતપાન કરવા દરેક સનાતન ધર્મપ્રેમી ભક્તોને પરિવાર સહિત પધારવા શ્રી ગણેશ સત્સંગ મંડળ, ખારવા વાડ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


