ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યની શાળાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે. દરરોજ સવારે શાળાનો ઘંટ વાગે ત્યારે બાળકોના ચહેરા પર ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. કારણ કે હવે શાળા માત્ર ભણતરનું કેન્દ્ર નથી, પરંતુ પોષણ અને સંવર્ધનનું કેન્દ્ર બની છે.
યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને રોજ ગરમાગરમ તથા પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. જેમાં સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ અને સ્થાનિક શ્રી અન્ન મિલેટનો સમાવેશ થાય છે. એકસાથે બેસીને નાસ્તો કરવાથી બાળકોમાં સમાનતા, ભાઈચારો અને સામાજિક મૂલ્યો વિકસે છે.

પોરબંદર જિલ્લાના છાંયા વિસ્તારમાં આવેલી પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં આ યોજનાની અસર સ્પષ્ટ રીતે જોવા મળે છે. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી મૌલિકભાઈ જોશીના જણાવ્યા મુજબ, યોજના અમલમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ કુપોષણથી પીડાતા બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે તેમજ તેમની શૈક્ષણિક એકાગ્રતા અને શીખવાની ક્ષમતા વધેલી જોવા મળે છે.
પોરબંદર જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૨૨,૮૮૮ વિદ્યાર્થીઓ પોષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે. આ યોજના માત્ર બાળકોની ભૂખ શાંત કરતી નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે રુચિ, નિયમિત હાજરી અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે.
સરકારની આ લોકહિતકારી યોજનાએ “સ્વસ્થ બાળક — સશક્ત ભવિષ્ય”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


