બાલાસિનોરના નાના-મોટા માર્ગોે પર હંગામી અને સ્થાયી કાચા-પાકા દબાણોએ અજગરી ભરડો લીધો છે. ત્યારે રેવન્યુ વિભાગ, નગરપાલિકા અને પોલીસ દ્વારા મુખ્ય રસ્તા પર દબાણોનો સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે બાદ ટૂંક સમયમાં જ મોટી ઝુંબેશ હાથ ધરવાનું આયોજન તૈયાર કરાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં આવી સંયુક્ત કવાયત હાથ ધરાઇ હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો છે.

બાલાસિનોરમાં રાજપૂરી દરવાજાથી નિશાળ ચોક સુધીના મુખ્ય રસ્તા પર લાંબા સમયથી વ્યા૫ક દબાણો થઇ ગયા છે. આ દબાણોના કારણે રસ્તો સાંકડો બની ગયો છે. વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને ચાલીને પસાર થવાની જગ્યા પણ મળતી નથી. જેના પગલે આ રસ્તા પરના દબાણો અંગે નાયબ કલેક્ટરની સૂચના અનુસાર મામલતદાર, નગર પાલિકાના ચીફ ઓફિસર, ટાઉન પોલીસ ઇન્સપેક્ટર, સિટી સર્વેના અધિકારીઓ વગેરે કાફલાએ આજે રસ્તા પરના દબાણો બાબતે સર્વે કરીને યાદી તૈયાર કરી છે. આ સર્વે દરમિયાન નાના કાચા દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. લારી, પાથરણાંવાળાઓને રસ્તા ખુલ્લા રાખવા તાકિદ કરાઇ હતી. દુકાનદારોને ઓટલા-છાપરા હટાવી દુકાન બહાર સામાન નહીં રાખવા સમજાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરીને રસ્તાને ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


