સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઓરવાડા ગામના સર્વિસ રોડ પર વોચ ગોઠવી વિદેશી દારૂની હેરાફેરીનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. હરિયાણાથી આવતી એક ટ્રકને અટકાવી તપાસ કરતા, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેમાં રૂ. 9.15 લાખની કિંમતની કોટન વેસ્ટની 73 ગુણીઓ ભરી હોવાનું જણાયું હતું. જોકે, આ ગુણીઓની નીચે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 7197 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 15.47 લાખ આંકવામાં આવી છે.

આ કાર્યવાહીમાં પોલીસે હરિયાણાના કરનાલના રહેવાસી ટ્રક ડ્રાઈવર ગુરમીતસિંગ મજબી અને ક્લીનર બોબીસિંગ મજબીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો દિલ્હીના રાણા અને હરિયાણાના સુમિત કૌશિકે મોકલ્યો હતો, જે અમદાવાદના કોઈ અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને કોટન વેસ્ટ મળી કુલ રૂ. 39.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, પકડાયેલા બે શખ્સો અને ત્રણ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


