ભરૂચ શહેરના કંસારવાડ વિસ્તારમાં એક સોનીના કારખાનામાં વિશ્વાસઘાત અને ચોરીની ઘટના સામે આવી છે. છેલ્લા ૩૫ વર્ષથી સોના-ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા સુજયકુમાર ધારાના કારખાને ગત ૭ ડિસેમ્બરે પરિચિત મારફતે કામ શીખવા આવેલા જીત દાસ નામના બંગાળી યુવકે માત્ર પાંચ જ દિવસમાં લાખોની મત્તા પર હાથફેરો કર્યો હતો. ગત ૧૨ ડિસેમ્બરના રોજ જ્યારે સુજયકુમાર પોતાની દીકરીને કોલેજથી લેવા ગયા હતા, ત્યારે આ કારીગરે મોકો જોઈ ટેબલના ડ્રોવરનું લોક તોડી નાખ્યું હતું અને તેમાં રાખેલી સોનાની રુદ્રાક્ષની માળા, હાર, વીંટી અને ચાંદીનો ભુક્કો મળી કુલ ૭૩ ગ્રામ સોનું અને ૭૫ ગ્રામ ચાંદીની ચોરી કરી પલાયન થઈ ગયો હતો.

સુજયકુમાર ઘરે પરત ફરતા કારીગર ગાયબ જણાયો હતો અને તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી. કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી જીત દાસ ડ્રોવર તોડીને દાગીના ચોરતો સ્પષ્ટપણે કેદ થયો હતો. ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે ₹૫.૩૨ લાખ જેટલી થવા જાય છે. આ મામલે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બંગાળી કારીગરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


