ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોની પોલીસે ટેકનિકલ તપાસ અને કાયદાકીય પ્રક્રિયાના સમન્વય દ્વારા ૨૧ જેટલા અરજદારોને તેઓની ગુમાવેલી કુલ ₹૯૩,૩૯,૮૩૬/- ની માતબર રકમ પરત કરાવી છે.

સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ જ્યારે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરી, ત્યારે સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક હરકતમાં આવી NCCRP પોર્ટલના માધ્યમથી રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ટ્રાન્સફર થયેલા કુલ ₹૧,૭૯,૫૧,૭૫૭/- ફ્રીઝ કરાવ્યા હતા. આ ઝડપી પ્રતિસાદને કારણે ગુનેગારો નાણાં ઉપાડી શક્યા નહોતા.
માહે ડીસેમ્બર-૨૦૨૫ દરમિયાન યોજાયેલી લોક અદાલતમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તમામ ૨૧ અરજીઓ જરૂરી અભિપ્રાય સાથે નામદાર ચીફ કોર્ટ ભરૂચમાં રજૂ કરી હતી. નામદાર કોર્ટ દ્વારા આ રકમ રીફંડ કરવાનો આદેશ કરવામાં આવતા, પોલીસ ટીમના હસ્તે અરજદારોને કોર્ટ હુકમ વિતરણ કરી તેઓની રકમ પરત કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે જો કોઈ પણ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી થાય, તો પ્રથમ ‘ગોલ્ડન અવર’માં જ ૧૯૩૦ પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી, જેથી નાણાં ફ્રીઝ કરાવી પરત મેળવવાની શક્યતા વધી જાય.


