E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ભવનાથના પવિત્ર મૃગીકુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં...

Gujarat : ભવનાથના પવિત્ર મૃગીકુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન

ભવનાથના મંદિરમાં આવેલા મૃગીકુંડમાં મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ રાતે તેમાં શાહી સ્નાન થાય છે. જે કુંડમાં શાહી સ્નાન થાય છે તે મૃગીકુંડની નજીક મૃગી માતાજીની મૂર્તિ છે, જેનું મુખ હરણનું અને શરીર સ્ત્રીનું છે. મૃગીકુંડનો અનેરો અને રસપ્રદ મહિમા છે.

મૃગીકુંડ મહિમા વિશે પાર્વતીજીના પ્રશ્નમાં જવાબમાં ભગવાન ભોળાનાથ જણાવે છે કે, કાન્ય કુબ્જા દેશના રાજા ભોજને વાત મળી કે મૃગના ટોળામાં મૃગ જેવા મુખ અને નારી શરીરવાળી રૂપાળી સ્ત્રી છે. રાજાએ ખરાઈ કરી તો આશ્ચર્ય સાથે તેને મૃગ જેવા મુખવાળી સ્ત્રી જોવા મળી. તેને સારા વસ્ત્રો અને આભૂષણો પહેરાવી રાજધાનીમાં લઈ આવ્યા, તેના વિશે જાણવા પ્રશ્નો પૂછયા, પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ ન મળતા આઘાત લાગતાં રાજાએ અન્નનો ત્યાગ કર્યો હતો. આથી બ્રાહ્મણોએ મૃગલીને તેના મુખે મનુષ્ય વાણી પ્રદાન કરી બોલતી કરતા પોતાના પૂર્વ જન્મમાં તેણે સહન કરેલા દુઃખોની કથા સંભળાવી. તેને એક ઋષિએ કહ્યું કે દેશમાં રેવતાચલ પર્વતમાં તારા પાપો ઘોવાશે અને મોક્ષ મળશે. રાજાએ તેની વ્યથા સાંભળીને દયા આવતાં આ મૃગલીને પટરાણી બનાવી, તેને મૃગ શરીરથી મુક્ત કરાવવા રાજા ભોજ મોટો કુંડ બનાવ્યો અને તેમાં તેનું નામ મૃગીકુંડ આપ્યું.

આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેવું આ કુંડનું મહત્ત્વ છે. આ મૃગીકુંડમાં કરોડો તીર્થ વસેલા છે. અહીં ગંગેશ્વર સહ, બિન્દુ, સ્વર્ણ રેખા નદી વહે છે જે સર્વ પાપનો નાશ કરે છે. એક સમયે આ કુંડમાં પથ્થરો પણ તરતા હતા. સ્કંદપુરાણ અનુસાર આવું તીર્થ આ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્ય. મૃગીકુંડ પાસે કાળ મેઘ નામના ક્ષેત્રપાળ સ્વરૃપે સાક્ષાત શંકર ભગવાન રહેલા છે.

મહાશિવરાત્રી વખતે નાગા સાધુઓ મૃગીકુંડ સ્નાન કરે છે. શ્રધ્ધાળુઓની માન્યતા છે કે તેમાં ખુદ ભગવાન ભોળાનાથ ચિરંજીવીઓ સાથે સિધ્ધપુરૂષો સાથે સ્નાન કરે છે. મૃગીકુંડની દીવાલે મૃગી માતાજીની મૂર્તિ છે તેનું મુખ હરણનું અને શરીર સ્ત્રીનું છે. મૃગીકુંડનો અનેરો મહિમા છે તેનો દર્શન કરી લાખો શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને સાધુઓ એમાં શાહી સ્નાન કરી મેળાને પૂર્ણ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments