E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : મહીસાગરની દીકરીનો ડિજિટલ સેવામાં ડંકો: મિશન મંગલમ થકી બની 'લખપતિ...

Gujarat : મહીસાગરની દીકરીનો ડિજિટલ સેવામાં ડંકો: મિશન મંગલમ થકી બની ‘લખપતિ દીદી’


મિશન મંગલમ અને સરકારી યોજનાઓના સમન્વયથી આત્મનિર્ભરતાનો નવો રાહ મહીસાગર જિલ્લાના ખાનપુર ગામના જાગૃતિબેન પંચાલે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને યોગ્ય માર્ગદર્શન મળે, તો ગ્રામીણ મહિલાઓ પણ સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઈકોનોમીમાં ક્રાંતિ લાવી શકે છે. PTC અને ગ્રેજ્યુએશન જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા જાગૃતિબેને આર્થિક રીતે પગભર થવા આઠ વર્ષ પહેલાં ‘મિશન મંગલમ’ યોજનાનો હાથ પકડ્યો હતો. આ એક નાના ડગલાએ તેમને માત્ર ગૃહિણીમાંથી એક સફળ ઉદ્યોગસાહસિક અને સમાજ માટે પ્રેરણારૂપ ‘બેંક સખી’ તરીકે પ્રસ્થાપિત કર્યા છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સ્થાપ્યો વિક્રમ બરોડા સ્વરોજગાર સંસ્થામાંથી તાલીમ મેળવ્યા બાદ, જાગૃતિબેને મોટા ખાનપુર ગામમાં ‘બેંક સખી’ તરીકે જવાબદારી સંભાળી. તેમણે પરંપરાગત બેંકિંગ સિસ્ટમમાં રહેલી હાલાકીઓને દૂર કરવા ડિજિટલ સોલ્યુશન અપનાવ્યું. ગ્રામીણ સ્તરે કોઈપણ ચાર્જ લીધા વિના વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ઘરઆંગણે નાણાકીય લેવડ-દેવડની સુવિધા પૂરી પાડી તેમણે એક આદર્શ ‘સેવા-લક્ષી બિઝનેસ મોડલ’ ઊભું કર્યું છે. તેમની પ્રામાણિકતા અને કાર્યક્ષમતાના પરિણામે વર્ષ 2022માં ગુજરાતમાં 23 લાખ અને ત્યારબાદ સમગ્ર ભારતમાં 33 લાખના ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વિક્રમ સ્થાપી, તેમણે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું છે.

ઘરકામ સાથે વ્યવસાયનું ઉત્તમ વ્યવસ્થાપન આજે જાગૃતિબેન પોતાનું ઘરકામ સંભાળવાની સાથે ‘BC પોઈન્ટ’ અને પોતાની દુકાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. આ આત્મનિર્ભર સ્ટાર્ટઅપ થકી તેઓ માસિક 15 થી 20 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે, જેનાથી તેઓ પોતાના બાળકોના શિક્ષણ અને ઘરના ખર્ચમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જે તેમની મહેનત અને ડિજિટલ ક્રાંતિમાં તેમના ફાળાની સ્વીકૃતિ છે.

જાગૃતિબેન માત્ર પોતે આત્મનિર્ભર બન્યા છે એવું નથી, પરંતુ તેઓ NRLM (નેશનલ રૂરલ લિવલીહુડ મિશન) અંતર્ગત અન્ય મહિલાઓને પણ આર્થિક પગભર થવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ સખી મંડળની બહેનોને ઓછા વ્યાજે સીસી (CC) લોન અપાવી તેમના નાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ બને છે. ગામની દરેક બહેન ‘લખપતિ દીદી’ બને તેવા ઉમદા વિચાર સાથે તેઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છે. આમ, જાગૃતિબેન પંચાલની કહાની એ આજના યુગમાં મહિલા સશક્તિકરણ અને ડિજિટલ ઈનોવેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Reporter : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments