મહેસાણા-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા નજીક આવેલા જગુદણ પાટિયા પાસે ગતરોજ રાત્રે એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને 4 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
લક્ઝરી બસ મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે જગુદણ પાટિયા પાસે પૂરઝડપે આવતી ટ્રક સાથે તેની ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લક્ઝરી બસ રોડ પર જ પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ 4 પેસેન્જરોને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હાઈવે પર લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી છે.


