મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને શહેરના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 425 થી વધુ મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. બેઠક દીઠ 8 લોકોએ ટિકિટ માગી છે.

રાજકીય ગરમાવો અને દાવેદારોનો ઉત્સાહ
ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં પૂર્વ કોર્પોરેટરો અને આશાસ્પદ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, વર્તમાન પાલિકાના આશરે 40 ટકા પૂર્વ કોર્પોરેટરોએ ફરીથી પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે બીજી તરફ નવા જોડાયેલા 24 ગામોમાંથી પણ સ્થાનિક આગેવાનો અને યુવા કાર્યકરો ટિકિટ મેળવવા માટે સક્રિય થયા છે.
વસ્તી ગણતરી અને મતદારોનો અંદાજ
મહેસાણાની કુલ અંદાજિત વસ્તી 2.84 લાખ થી 3 લાખ વચ્ચે હોવાનું અનુમાન છે. જેમાં અંદાજે 1.50 લાખ પુરુષો અને 1.34 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ કોર્પોરેશન હોવાથી આ ચૂંટણી શહેરના ભાવિ વિકાસ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. હવે રાજકીય પક્ષો માટે આટલી મોટી સંખ્યામાં દાવેદારોમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી તે એક કસોટી સમાન બની રહેશે.


