ખેડૂતો દેવાના દાવાનળમાં સળગી રહ્યા છે અને સરકાર સુખની નિંદ્રામાં છે—આ આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં સીધો રાજકીય પ્રહાર શરૂ કર્યો છે. બીજના ઉત્સવ અંતર્ગત મોઢવાડા ગામેથી શરૂ કરાયેલી ‘કિસાન જનસંપર્ક પદયાત્રા’ના પ્રથમ જ દિવસે સરકાર સામે જનઆક્રોશ ખુલ્લેઆમ ફાટી નીકળ્યો હતો. મા લીરબાઈ માતાના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ યાત્રાએ મોઢવાડાથી ફટાણા સુધી ગામેગામ ‘હવે જાગો સરકાર’નો સંદેશ આપ્યો.
આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી અને યુવા ખેડૂત નેતા હિતેશભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં નીકળેલી આ ‘કિસાન ન્યાય યાત્રા’ આગામી દિવસોમાં પોરબંદર તાલુકાના કુલ ૩૫ ગામોમાં ફરી વળશે અને ખેડૂતોના પ્રશ્નોને સરકારના દરબારમાં ગુંજાવશે. આ પદયાત્રાનો સમાપન તા.૨૭/૧૨/૨૦૨૫ના રોજ વિસાવાડા ખાતે ગોપાલભાઈ ઈટાલીયાની ઉપસ્થિતિમાં થવાનો છે.

યાત્રાના પ્રારંભે જિલ્લા પ્રમુખ પરબતભાઈ બાપોદરા, કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઈ બાપોદરા, પોરબંદર વિધાનસભા પ્રભારી ભાર્ગવભાઈ જોષી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ સરકાર પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “પોરબંદરનો ખેડૂત આજે પાકના ભાવ, ખાતર-બીજ અને વીજળીના પ્રશ્નોમાં કચડાઈ ગયો છે. સરકાર ખેડૂતોને ન્યાય આપવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહી છે. હવે આમ આદમી પાર્ટી ગામેગામ જઈ સરકારની નિષ્ફળતાઓ જનતા સામે મૂકી આપશે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “હજી બે વર્ષનો સમય છે—જો ભાજપના નેતાઓ સુધરી નહીં જાય તો આવનારી વિધાનસભાની લડત ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આમ આદમી પાર્ટી પોતે લડશે અને સરકારને જવાબ આપશે.”
મોઢવાડાથી બપોરે સાડા બાર વાગ્યે નીકળેલી પદયાત્રા શિષલી અને શીંગડા ગામમાંથી પસાર થઈ સાંજે સાત વાગ્યે ફટાણા ખાતે પહોંચી, જ્યાં યાત્રાનો પ્રથમ દિવસ પૂર્ણ થતાં રાત્રી વિરામ રાખવામાં આવ્યો છે. માર્ગમાં અનેક ગામોમાં ખેડૂતો અને સ્થાનિક લોકોએ સરકાર વિરુદ્ધ પોતાના રોષ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું.
કિસાન જનસંપર્ક પદયાત્રામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, હિતેશભાઈ મોઢવાડીયા, પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ મોઢવાડીયા, નિલેશભાઈ ગોરેસરા, નાથાભાઈ ભૂતિયા, નીતાબેન સાદીયા, નૂતનબેન ગોકાણી, ચેતનભાઈ સવજાણી, પ્રતાપભાઈ કેશવાલા, અમિતભાઈ ખોડા, ભાર્ગવભાઈ જોષી, પુંજાભાઈ કોડિયાતર, હરદાસભાઈ કુછડિયા, કેશુભાઈ મોઢવાડીયા, મસરીભાઈ મોઢવાડીયા, દિલીપભાઈ મોઢવાડીયા, લીલાભાઈ મોઢવાડીયા, જયમલભાઈ ઓડેદરા, કાનજીભાઈ ગઢવી, નાથાભાઈ કારાવદરા, ગીગાભાઈ મોઢવાડીયા, લાખાભાઈ લીંબોલા, હર્ષદભાઈ વાળા, માલદેભાઈ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મેદાને ઉતર્યા હતા.
Reporter : વિરમભાઈ કે. આગઠ


