E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ...

Gujarat : મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ

મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ નજીક ગત મોડી રાત્રીના વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ સરાજાહેર આતંક મચાવ્યો હતો અને સોની વેપારીને કારમાંથી ઉતારી સ્કૂટર પર આવેલા બે શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત સોની સમાજમાં પડયા છે. સોની બજારે સજ્જડ બંધ પાળી આરોપીઓને કડક સજા આપવા માંગ કરી છે.

મોરબીમાં ભક્તિનગર-2, શનાળા રોડ પર રહેતા મૌલિકભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 41) એ પોલીસમાં તેમના નાના ભાઇ જતીનભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 33)ની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ અને તેમના નાનાભાઇ જતીનભાઇ સંયુક્ત કુટુંબમાં રહે છે અને સોની કામની દુકાન ગ્રીન ચોક, સોની બજાર ખાતે ધરાવે છે. તેમના ઘરે વાસ્તુ પ્રસંગ હોવાથી નાના બહેન ચેતનાબહેન કે જે રાજકોટ ખાતે સાસરે હોય તેને તેડવા જતીનભાઇ ગઇકાલે બપોર પછી કાર લઇ રાજકોટ ગયા હતા.

ગત રાત્રે નાની કેનાલ રોડ પર તેમના મકાનનું કામ ચાલુ હોવાથી ફરિયાદી યુવાન ત્યાં ગયા હતા. ત્યારે તેમના નાનાભાઇ જતીનભાઇનો તેમને ફોન આવ્યો હતો કે શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે એક્સેસ સ્કૂટર વાળા બે અજાણ્યા છોકરા સાથે કારને સાઇડ આપવા બાબતે ઝઘડો થયો છે અને મને બંનેએ છરીના ઘા ઝીંક્યા છે, તું તાત્કાલિક આવ.

તેથી ફરિયાદી યુવાન શનાળા રોડે જતા ત્યાંથી જતીનભાઇને હોસ્પિટલે લઇ જવાયાની ખબર પડતા તેઓ હોસ્પિટલે ગયા હતા. ત્યાં તેમના બહેન ચેતનાબેન, જતીનભાઇના માસાજી સસરા કિશોરભાઇ પાટડીયા વગેરે હાજર હતા. જતીનભાઇની ઇમરજન્સી રૂમમાં સારવાર ચાલતી હતી. તેમને છાતીમાં ડાબા પડખામાં તથા પાછળ ડાબા થાપામાં ઇજા થઇ હતી અને લોહીલુહાણ હાલતમાં હતા અને સારવાર દરમિયાન જતીનભાઇનું મોત થયું હતું. પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક જતીનભાઇને 11 માસની દીકરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments