લુણાવાડાના વિસરાયેલા ઇતિહાસને જીવંત કરતી ‘હેરિટેજ ટૂર’: મહારાણા સિદ્ધરાજસિંહજીના માર્ગદર્શનમાં ઇતિહાસપ્રેમી નાગરિકોએ માણ્યો રાજવી વારસોઐતિહાસિક નગર લુણાવાડાના ભવ્ય ભૂતકાળ, પ્રાચીન કલા-સંસ્કૃતિ અને રાજવંશી વારસાથી પ્રજાજનોને માહિતગાર કરવાના ઉમદા આશય સાથે મહારાણા સિદ્ધરાજસિંહજીના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘લુણાવાડા હેરિટેજ ટૂર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગ દ્વારા નગરના ભુલાઈ ગયેલા ઇતિહાસ અને સ્થાપત્યોને પુનઃ જીવંત કરવાનો પ્રયાસ કરાયો હતો.
આ હેરિટેજ ટૂરનો પ્રારંભ વહેલી સવારે વસંતસાગર તળાવ સ્થિત મનોહરનાથજી અખાડાથી થયો હતો. આ ટૂર દરમિયાન મહારાણા સિદ્ધરાજસિંહજીની સાથે રાજકુમારી મ્રિનાલિનીકુમારીજી, સહિત અગ્રણી નાગરિકો અને ઇતિહાસપ્રેમી મુલાકાતીઓએ શહેરના અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી,જેમાં પ્રગતિમંદિર, વસંતસાગર અને કાશી વિશ્વનાથ મંદિર,રણછોડજી મંદિર, લૂણેશ્વર મહાદેવ અને સંસ્કૃત પાઠશાળા, બાઈ સાહેબની ધર્મશાળા,વખત બાગ, દરકોલી દરવાજા અને શહેરા દરવાજા, ગાંધીકુટીર, એસ.કે. હાઈસ્કૂલ, અંબાજી મંદિર, લાલસિંહજી પુસ્તકાલય અને રાયફલ હાઉસ, નગરપાલિકા, રામજી મંદિર, દેવળ માતા, કિશન સાગર તળાવ અને નંદકેશ્વર મહાદેવ, માંડવી બજાર, ફુવારા ચોક, ડી.કે. ડિસ્પેન્સરી, જૈન મંદિર અને નાગરવાડાના હાટકેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે.

સમગ્ર પ્રવાસ દરમિયાન જાણીતા ઇતિહાસવિદ અને “શ્રી મલ્લવણપુર” પુસ્તકના લેખક તેમજ પ્રાચીન સિક્કાઓના સંગ્રહકાર હર્ષદભાઈ કડિયાએ દરેક સ્થાપત્યના નિર્માણ, તેની પૃષ્ઠભૂમિ અને ઐતિહાસિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી આપી નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.હેરિટેજ યાત્રાનું સમાપન લુણાવાડા રાજમહેલ ખાતે થયું હતું. રાજમહેલના દરબાર હોલમાં મુલાકાતીઓ માટે ખાસ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જૂના સમયના શસ્ત્રો (હથિયારો) અને દુર્લભ ચીજવસ્તુઓ, પ્રાચીન રજવાડાના સિક્કાઓ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના પત્રવ્યવહાર જેવા અત્યંત મહત્વના ઐતિહાસિક દસ્તાવેજો પ્રદર્શિત કરાયા હતા.
આ પ્રસંગે મહારાણા સિદ્ધરાજસિંહજીએ જણાવ્યું હતું કે, લુણાવાડાના સમૃદ્ધ વારસાને આવનારી પેઢી સમજે અને ગૌરવ લે તે હેતુથી આ આયોજન કરાયું છે. તેમણે નાગરિકોના સૂચનો આવકારી આગામી સમયમાં વધુ સારા આયોજનની ખાતરી આપી હતી. ટૂરમાં જોડાયેલા ઇતિહાસ પ્રેમીઓ અને સંશોધકોએ આ પહેલને બિરદાવી રાજવી પરિવારનો આભાર માન્યો હતો. આ હેરિટેજ ટુરમાં જોડાવવા હર્ષદભાઈ કડિયા,સૌરભભાઈ મહેતા, કીર્તિપાલસિંહ, હંસરાજસિંહ, દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
Reporter : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર


