જીએસઆરટીસી દ્વારા તા. 15 ડિસેમ્બરથી ટેક્સ્ટ મેસેજ સાથે લિંક મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા અંતર્ગત રિઝર્વેશન કરાવનાર દરેક યાત્રિક પોતાની એસટી બસ ક્યાં પહોંચી છે તે માત્ર એક ક્લિકમાં જાણી શકે છે.

મુસાફર જ્યારે રિઝર્વેશન કરાવે છે ત્યારે ટિકિટની વિગતો સાથે મોબાઈલ પર એક લિંક મોકલવામાં આવે છે. બસ ઉપડવાના અંદાજે અડધો કલાક પહેલાં, રિઝર્વેશન કરાવેલા મુસાફરના મોબાઈલ નંબર પર ઓટોમેટીક રીતે લાઈવ ટ્રેકિંગ લિંક જનરેટ થાય છે. મુસાફર આ લિંક ઓપન કરીને પોતાની નિશ્ચિત બસનું લોકેશન અને શિડ્યૂલ સંબંધિત માહિતી મેળવી શકે છે.
જીએસઆરટીસી બુકિંગ એપ્લિકેશનમાં બુકિંગ આઈકન સિલેક્ટ કરીને, ટ્રિપ પસંદ કરી, પ્લેસ ટુ પ્લેસ વિકલ્પથી બસ અને સીટ પસંદ કરી શકાય છે. ત્યારબાદ નામ, ઉંમર, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ભર્યા બાદ પેમેન્ટ પૂર્ણ થતાં જ પીએનઆર નંબર સહિતની સંપૂર્ણ માહિતી મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજમાં મળી જાય છે. ટિકિટમાં આપવામાં આવેલા પીએનઆર નંબરના આધારે બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકાય છે. દર મહિને 25 લાખથી વધુ મુસાફરો એસટી બસ દ્વારા મુસાફરી કરતા હોય છે, જેને હવે આ સુવિધાનો મોટો લાભ મળશે. ખાસ કરીને વડોદરાથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પંચમહાલ તરફ અવરજવર કરતા મુસાફરો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે.


