ગુજરાતમાં વધતા જતા માર્ગ અકસ્માતોની સંખ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આજથી એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષકના આદેશથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના તમામ શહેરો અને જિલ્લાઓમાં આજથી એટલે કે 25 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે.
પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે થતા આ અકસ્માતોને ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ 15 દિવસની મેગા ડ્રાઈવનું આયોજન કરાયું છે.

આ 8 બાબતો પર રહેશે પોલીસની ખાસ નજર
ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસ નીચે મુજબના ટ્રાફિક ઉલ્લંઘનો સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલશે:
ડ્રંક એન્ડ ડ્રાઈવ: નશો કરીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી.
હેલ્મેટ: ટુ-વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટનો ઉપયોગ ન કરવો.
રોંગ સાઈડ ડ્રાઈવિંગ: ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ખોટી દિશામાં વાહન ચલાવવું.
નંબર પ્લેટ: નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ અટકાવવો.
કાળા કાચ: મર્યાદા કરતા વધુ કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી.
LED લાઈટ: વાહનોમાં ગેરકાયદેસર સફેદ LED લાઈટો લગાડવી.
પેસેન્જર કેપેસિટી: મુસાફરોની હેરફેર માટે પરમિટ કરતા વધુ પેસેન્જરો ભરવા.
ગેરકાયદે પાર્કિંગ: ધોરીમાર્ગો કે જાહેર રસ્તાઓ પર અનધિકૃત વાહન પાર્ક કરવા.
પોલીસ અધિકારીઓને દરરોજની કામગીરીની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરી 12 માર્ચ 2026 સુધીમાં ઈ-મેઈલ દ્વારા મોકલી આપવા પણ સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોલીસની આ કામગીરીમાં સહકાર આપે.


