ક્ષિણ ગુજરાતના વાહનવ્યવહારને વધુ વેગ આપવા માટે ભરૂચથી કીમ સુધીનો એક્સપ્રેસ-વે ગતરોજથી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, આ નવા પ્રોજેક્ટના અમલીકરણ સાથે સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પુનગામ તરફ જતો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે.

નવી વ્યવસ્થા મુજબ, ભરૂચથી વડોદરા કે દહેજ તરફ જવા માંગતા વાહનચાલકોએ હવે જૂના રસ્તાનો જ ઉપયોગ કરવાનો રહેશે. પુનગામ તરફનો રસ્તો બંધ હોવાથી તે દિશામાં જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે, તેથી જનહિતમાં અપીલ કરવામાં આવી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા નવા રૂટની જાણકારી મેળવી લેવી. એક્સપ્રેસ-વેના ટ્રાયલ રન દરમિયાન ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતાને જોતા પોલીસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.


