E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : સરકારના સાથથી સંઘર્ષમાંથી સફળતાની સફર: કાસાબડ ગામની કિંજલબેન ઠુંમર બન્યા...

Gujarat : સરકારના સાથથી સંઘર્ષમાંથી સફળતાની સફર: કાસાબડ ગામની કિંજલબેન ઠુંમર બન્યા આત્મનિર્ભરતાનું પ્રેરણાસ્રોત

જ્યારે ઈચ્છાશક્તિ અડગ હોય અને સરકારનો સહારો મળે, ત્યારે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ આગળ વધવાનો માર્ગ મળી જ રહે છે—આ સત્યને પોરબંદર જિલ્લાના કાસાબડ ગામની કિંજલબેન સાગરભાઈ ઠુંમરે પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું છે.


સામાન્ય પરિવારમાં સુખેથી જીવન જીવતી કિંજલબેનના જીવનમાં અચાનક પડકારો ત્યારે આવ્યા જ્યારે તેમના પતિની તબિયત બગડી. ઘરનું ગુજરાન ચલાવવું, નાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું અને વધતી આર્થિક મુશ્કેલીઓ—આ તમામ જવાબદારીઓ એકાએક તેમના ખભા પર આવી પડી. આવી સ્થિતિમાં હિંમત હારી જવાની બદલે કિંજલબેને સ્વમાનભેર મહેનત કરીને આગળ વધવાનો સંકલ્પ કર્યો.
રાજ્ય સરકારશ્રીની નારી સશક્તિકરણ નીતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ. કિંજલબેન ‘શક્તિ સખી મંડળ’ સાથે જોડાયા અને સરકાર તરફથી મળેલી રૂ.૫૦,૦૦૦ની આર્થિક સહાયથી પોતાના અંદર રહેલી કળાને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું. આ સહાયના આધારે તેમણે લાકડાના આકર્ષક તોરણો, ઘર સુશોભનની વિવિધ ચીજવસ્તુઓ તેમજ બાળકો માટેના સુંદર રમકડાં બનાવવાનું શરૂ કર્યું.
સરકાર દ્વારા સમયાંતરે યોજાતા ‘સશક્ત નારી મેળા’ તથા ‘વોકલ ફોર લોકલ’ પ્રદર્શનોમાં કિંજલબેનની બનાવટોને લોકોએ ઉદાર પ્રતિસાદ આપ્યો. આ પ્લેટફોર્મ્સથી તેમના વ્યવસાયને નવી ગતિ મળી અને વેચાણમાં વધારો થતાં આજે તેઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારનું સન્માનપૂર્વક ગુજરાન ચલાવી રહ્યા છે.
આ અંગે કિંજલબેન ઠુંમરે જણાવ્યું હતું કે, “સરકારની યોજનાઓ અને સખી મંડળના મજબૂત સાથને કારણે આજે હું મારી દીકરીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવી શકી છું. આ બદલ હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
રાજ્ય સરકારના અટલ નેતૃત્વ હેઠળ છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નારીશક્તિને આર્થિક રીતે સદ્ધર બનાવવા અવિરત પ્રયત્નશીલ છે.
કિંજલબેન જેવી અનેક બહેનોની સફળતા એ વાતની સાક્ષી છે કે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને પ્રોત્સાહક નીતિઓના કારણે આજે રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બની પરિવાર અને સમાજનો મજબૂત આધારસ્તંભ બની રહી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર સાથે સરકારશ્રી દરેક નાગરિકના સર્વાંગી ઉત્થાન માટે કટિબદ્ધ છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments