સુરેન્દ્રનગરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે ઘીમાં ભેળસેળ મામલે વેપારી અને ઉત્પાદકને રૃ. ૧.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે. તંત્રની ટીમે લીધેલા ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ થયા હતા. લેબોરેટરી રિપોર્ટમાં પ્રતિબંધિત તત્વોની હાજરી મળી આવતા વેપારી અને દમણના ઉત્પાદક સામે દંડાત્મક પગલાં ભર્યા છે.

સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં આવેલી ‘ન્યુ વિજય ટ્રેડિંગ કંપની’માંથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ‘સુકુન પ્રીમિયમ કાઉ ઘી’નો નમૂનો લેવામાં આવ્યો હતો. વડોદરાની લેબોરેટરીમાં તપાસ દરમિયાન આ ઘીમાં એસીટીલેટેડ મોનો એન્ડ ડીગ્લિસરાઈડ્સ નામના પ્રતિબંધિત તત્વો મળી આવ્યા હતા. જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગેરકાયદેસર હોવાથી અધિક કલેક્ટર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.નિવાસી અધિક કલેક્ટર અને એડજ્યુડીકેટિંગ ઓફિસરના હુકમ મુજબ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ બે અલગ-અલગ પક્ષોને દંડ ફટકારાયો છે. જેમાં વેચાણ કરનાર પેઢી ‘ન્યુ વિજય ટ્રેડિંગ’ના માલિકોને રૃ. ૩૦,૦૦૦ અને દમણ સ્થિત ઉત્પાદક પેઢી ‘સાવત્તા ફૂડ પ્રોડક્ટસ’ને રૃ.૧,૦૦,૦૦૦નો દંડ ફટકારી કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.


