ગુજરાતમાં ભાજપના રાજમાં ‘નાના માણસો’ સુરક્ષિત હોવાના દાવાઓ વચ્ચે હળવદમાં કિંમતી જમીન પચાવી પાડવાના ખેલમાં પોલીસ અને સ્થાનિક નેતાઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. હળવદ પોલીસ મથકે 3 એપ્રિલના રોજ નોંધાયેલી એક ફરિયાદ હવે વિવાદોના વંટોળે ચઢી છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે તેમને ફસાવવા માટે આખું ‘ષડયંત્ર’ રચવામાં આવ્યું છે.
શું છે આખી ઘટના?
ફરિયાદી અશ્વિન સોનગ્રા (ઉં.વ. 50) એ એવી ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની વાડીએ JCB નો વીડિયો ઉતારતા હતા ત્યારે તેમની સાથે મારામારી અને ધમકી આપવામાં આવી. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સામે આવી રહ્યું છે. પીડિત પરિવાર પાસે રહેલા વીડિયો પુરાવા મુજબ, જે સ્થળે ઘટના બની ત્યાં કોઈ JCB હતું જ નહીં! JCB તો અડધો કિલોમીટર દૂર હતું. તો શું 50 વર્ષના માણસે જીવનમાં પહેલીવાર JCB જોયું કે તેનો વીડિયો ઉતારવા મજબૂર થયા?

ષડયંત્રના ગંભીર આક્ષેપો:
- મહિલાની મર્યાદા સાથે ચેડાં: આક્ષેપ છે કે અશ્વિન સોનગ્રા વાસ્તવમાં મેહુલભાઈની પત્નીનો વીડિયો ઉતારી રહ્યા હતા. ખેતરમાં કામ કરતી મહિલાની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી સામેવાળાને ઉશ્કેરવા માટે આ વીડિયો બનાવાયો હોવાનું જણાય છે.
- પોલીસની એકતરફી કાર્યવાહી: ૧૧૨ પર કોલ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે, પરંતુ ત્યાં હાજર જયદીપ અને સવજીભાઈને પણ આરોપી બનાવી દેવાય છે. પીડિત પરિવારે જ્યારે મહિલાની છેડતી અંગે લેખિત ફરિયાદ આપી, ત્યારે પીઆઈ વ્યાસે કાયદાના એવા પાઠ ભણાવ્યા કે “૧૧૨ ને ફોન કરે તેની જ ફરિયાદ થાય!” શું હવે કાયદો માત્ર ફોન કરનારનો જ છે?
- ફરાર આરોપી પોલીસ સ્ટેશનમાં: સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ ફરિયાદ લખાતી હતી, ત્યારે ફરિયાદીનો નાનો ભાઈ પરેશ (જે 9 મહિનાથી ફરાર હતો) પોલીસ સ્ટેશનમાં હાજર હતો! હોબાળો થયા બાદ માંડ તેની અટકાયત કરી જેલ હવાલે કરાયો.
કિંમતી જમીન અને વિદેશ જવાનું સપનું રોળાયું:
આરોપી બનાવાયેલ જયદીપ 7 મહિના પહેલા બનેલી એક ઘટનામાં નાબાલિક હોવા છતાં પોલીસે તેને આરોપી બનાવી દીધો હતો, જેના કારણે તેનું વિદેશ જવાનું સપનું રોળાઈ ગયું છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે હળવદ પોલીસના પીઆઈ વ્યાસ અને એક દલવાડી નેતા તેમની કિંમતી જમીન પચાવી પાડવા માટે એક સાદી ચિઠ્ઠી પર પણ ગુનો દાખલ કરી દે છે.
હળવદ પોલીસની આ ‘ભૂંડી ભૂમિકા’ હવે હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી છે. શું પીડિત પરિવારને ન્યાય મળશે? કે પછી સત્તા અને ખાખીના જોરે કિંમતી જમીન લૂંટવાનો આ ખેલ ચાલુ જ રહેશે?
રિપોર્ટ: પાક્કો ગુજરાત ન્યૂઝ
પવન માકન, ગ્રુપ એડિટર


