ગુજરાત સરકારના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રાંધણગેસ (LPG)નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેસની અછત અંગેની કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવું.
ગુજરાત સરકારના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રાંધણગેસ (LPG)નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેસની અછત અંગેની કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવું. ગેસ એજન્સીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઈને લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી.
નાગરિકોને મોબાઈલના એક ક્લિકથી જ સિલિન્ડર મળી રહે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. રાજ્યમાં LPG રિફિલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અને નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કોલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ્લિકેશન અથવા કંપનીના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરાવી શકે છે. આ તમામ બુકિંગ પ્રક્રિયામાં સુવ્યવસ્થિત ડિજિટલ પ્રણાલી અનુસરવામાં આવે છે અને ગ્રાહકને SMS દ્વારા તરત જ કન્ફર્મેશન મોકલવામાં આવે છે.

ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો વોટ્સએપ માટે 7588888824 પર મેસેજ કરી શકે છે. રજિસ્ટર્ડ નંબર પરથી કોલ કરવા માટે 8454955555 અને SMS/IVRS બુકિંગ માટે 7718955555 નંબરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ‘IndianOil ONE’ એપ અને સત્તાવાર પોર્ટલ cx.indianoil.in દ્વારા પણ બુકિંગ થઈ શકે છે.
એચપી ગેસ (HP Gas):
એચપી ગેસના ગ્રાહકો માટે વોટ્સએપ નંબર 9222201122 છે. રજિસ્ટર્ડ નંબરથી કોલ દ્વારા બુકિંગ માટે 9493602222 અને SMS/IVRS માટે 8888823456 સુવિધા ઉપલબ્ધ છે. ગ્રાહકો ‘HP PAY’ એપ અથવા myhpgas.in પોર્ટલનો પણ લાભ લઈ શકે છે.
ભારત ગેસ (Bharat Gas):
ભારત ગેસ માટે વોટ્સએપ નંબર 1800224344 ફાળવવામાં આવ્યો છે. કોલ દ્વારા બુકિંગ માટે 7710955555 અને SMS/IVRS માટે 7715012345 નંબર કાર્યરત છે. ગ્રાહકો ‘HelloBPCL’ એપ કે my.ebharatgas.com પરથી પણ બુકિંગ કરાવી શકે છે. આ સિવાય ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) અને વિવિધ બેન્કિંગ એપ્સ દ્વારા પણ પેમેન્ટ અને બુકિંગ શક્ય છે.
ચુસ્ત મોનિટરિંગ અને ગ્રાહકોનો સંતોષકારક પ્રતિસાદ
રાજ્યની તમામ જાહેર અને ખાનગી ગેસ એજન્સીઓમાં ચુસ્ત દેખરેખ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેથી નાગરિકોને સમયસર પુરવઠો મળે અને કોઈ ગેરરીતિ ન થાય. ખેડા જિલ્લાના ઠાસરાના રહેવાસી મહિપાલસિંહ પરમાર અને મોડાસાની ખુશી એચપી ગેસ એજન્સીના સંચાલક હરિશ્ચંદ્રસિંહ ભાટીએ જણાવ્યું છે કે, સરકાર તરફથી પૂરતો સ્ટોક મળી રહ્યો છે અને ગ્રાહકોને બુકિંગના બે દિવસમાં જ હોમ ડિલિવરી મળી જાય છે.
સહાય માટે રાજ્ય હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકાર દ્વારા LPG અંગેના કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો કોઈપણ સમસ્યાના કિસ્સામાં 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે. સરકાર દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી પૂરતો જથ્થો હંમેશા ઉપલબ્ધ રહેશે.


