ગૃહપ્રધાને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો લાંબા સમયથી સંકલ્પ રહ્યો છે કે દેશમાં દરેક માટે એકસરખો કાનૂન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે UCCના અમલથી સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવના મજબૂત બનશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પાસ થવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે આ પગલાને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું કે દેશ અને રાજ્યમાં તમામ નાગરિકો માટે સમાન કાનૂન લાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે.ગૃહપ્રધાને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો લાંબા સમયથી સંકલ્પ રહ્યો છે કે દેશમાં દરેક માટે એકસરખો કાનૂન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે UCCના અમલથી સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવના મજબૂત બનશે. આ નિર્ણય કોઈ એક વર્ગ માટે નહીં પરંતુ સમગ્ર સમાજના હિત માટે લેવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર ‘સર્વે માટે સમાન કાનૂન’ની વાત કરવામાં આવી છે અને આ બિલ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગૃહપ્રધાને સ્પષ્ટ કહ્યું કે સરકાર તુષ્ટીકરણની રાજનીતિમાં વિશ્વાસ રાખતી નથી, પરંતુ તમામ નાગરિકોને સમાન અધિકાર અને ન્યાય મળે તે માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે રાજ્ય માટે એક નવી દિશા નક્કી કરે છે. ગૃહપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે UCCના અમલથી સામાજિક એકતા વધુ મજબૂત બનશે અને નાગરિકોમાં સમાનતાનો સંદેશ વ્યાપક રીતે ફેલાશે. આ ઘટનાને રાજકીય અને સામાજિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેની અસર દેશભરમાં જોવા મળી શકે છે.


