આજે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચનો મહામુકાબલો રમાશે. બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાશે. વર્ષ 2023માં આ મેદાન પર ભારતીય ટીમને વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં હાર મળી હતી. જોકે, સૂર્યા બ્રિગેડ ચેમ્પિયન બનવાના ઈરાદે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેદાનમાં ઉતરશે. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
- ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
- ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટિમ સાઇફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યૂસન
ન્યૂઝીલેન્ડ હજુ સુધી એક પણ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતી શક્યું નથી. તેઓ ફક્ત 2021 માં સેમિફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા.

ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. અત્યાર સુધી બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, અને કિવી ટીમે ત્રણેય જીતી છે.
જો ભારત આજે ન્યૂઝીલેન્ડને હરાવે છે અને T20 વર્લ્ડ કપ જીતે છે, તો તે ત્રણ ઇતિહાસ બનાવશે. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બનશે. આ ટીમ ઇન્ડિયાનો સતત બીજો T20 વર્લ્ડ કપ હશે, જે કોઈ અન્ય ટીમે હાંસલ કર્યો નથી. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટ્રોફી હશે. કોઈ પણ ટીમે બે વારથી વધુ T20 વર્લ્ડ કપ જીત્યો નથી.
ટૂર્નામેન્ટમાં ઈશાનનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે કરોડરજ્જુ સમાન રહ્યું છે. તેના આંકડા જ તેની તાકાતની સાક્ષી પૂરે છે. કિશને કુલ 8 (8 ઇનિંગ્સ) રમી છે. જેમાં 263 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં રમેલી 77 રનની યાદગાર ઇનિંગ રમી છે. અત્યાર સુધી 29 ચોગ્ગા અને 14 ગગનચુંબી છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત 2 શાનદાર ફિફ્ટી પણ ફટકારી છે.
ઈશાન કિશન માત્ર રન નથી બનાવી રહ્યો, પરંતુ લગભગ 190ના સ્ટ્રાઈક રેટથી બોલરોની લાઇન-લેન્થ બગાડી રહ્યો છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યાએ તેના પર જે ભરોસો મૂક્યો છે, તેના પર તે 100 ટકા ખરો ઉતર્યો છે. ઈશાન ઓપનર તરીકે તોફાની શરૂઆત આપે જ છે, પરંતુ જરૂર પડ્યે નંબર-3 પર આવીને પણ ઇનિંગને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.
ન્યૂઝીલેન્ડના કેમ્પમાં અત્યારે જો કોઈ એક બેટ્સમેનનો સૌથી વધુ ખોફ હોય તો તે ઈશાન કિશન છે. અમદાવાદની પીચ બેટ્સમેનોને અનુકૂળ રહેવાની શક્યતા છે, અને જો ઈશાન તેની લયમાં આવી ગયો, તો પાવરપ્લેમાં જ મેચ ન્યૂઝીલેન્ડના હાથમાંથી છીનવી શકે છે.


