મિનેસોટામાં બે જાહેર પ્રતિનિધિઓ – રાજ્ય સેનેટર જોન હોફમેન અને રાજ્ય પ્રતિનિધિ મેલિસા હોર્ટમેન પર તેમના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓએ તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો છે, જેમાં જોન હોફમેન આ હુમલામાં ઘાયલ થયા છે, જ્યારે મેલિસા હોર્ટમેન અને તેમના પતિનું આ હુમલામાં મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ મિનેપોલિસના ઉપનગરો ચેમ્પલિન અને બ્રુકલિન પાર્કમાં તેમના સંબંધિત ઘરો પર આ ગોળીબાર થયો હતો. પ્રારંભિક તપાસ મુજબ, એવી શંકા છે કે હુમલાખોર પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરી રહ્યો હતો. અધિકારીઓ હુમલા પાછળનો હેતુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે .હુમલા પછી, અધિકારીઓએ મિનિયાપોલિસના બે ઉપનગરોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી કારણ કે તેઓ શંકાસ્પદ વ્યક્તિની શોધ કરી રહ્યા છે જે કથિત રીતે પોલીસ ગણવેશમાં હતો.

આ દરમિયાન, મિનેસોટા પોલીસ વડાએ માહિતી આપી હતી કે શંકાસ્પદ વ્યક્તિની કારમાંથી એક યાદી મળી આવી છે, જેમાં ઘણા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓના નામ સંભવિત લક્ષ્યો તરીકે સૂચિબદ્ધ છે.તપાસ એજન્સીઓ હવે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે એકલો હુમલો કરનાર હતો કે મોટા ષડયંત્રનો ભાગ હતો. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને નજીકના તમામ જનપ્રતિનિધિઓને વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે.