ભગવાન શિવના ભક્તો માટે વર્ષ 2026 એક મોટી ભેટ લઈને આવ્યું છે. જો તમે લાંબા સમયથી દેશના પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરવાનું વિચારી રહ્યા હોવ, તો IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ તમારી આ મનોકામના પૂર્ણ કરવા માટે એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. ‘ભારત ગૌરવ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન’ દ્વારા શ્રદ્ધાળુઓને 7 મુખ્ય જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે.
આ ધાર્મિક યાત્રા 28 મે 2026ના રોજ દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસ કુલ 12 દિવસ અને 11 રાતનો રહેશે. યાત્રા પૂર્ણ થયા બાદ ટ્રેન પરત દિલ્હી પહોંચશે. આ પેકેજમાં મુસાફરોને માત્ર ટ્રેનની મુસાફરી જ નહીં, પરંતુ રહેવા-જમવાની અને લોકલ સાઈટસીઈંગની સુવિધા પણ આપવામાં આવશે.
ટ્રેન દિલ્હીથી ઉપડશે પરંતુ મુસાફરોની સુવિધા માટે તે દિલ્હી કેન્ટ, ગુરુગ્રામ, રેવાડી, અલવર, બાંદીકુઈ, ભરતપુર, મથુરા, આગ્રા કેન્ટ, ગ્વાલિયર, ઝાંસી અને લલિતપુર જેવા સ્ટેશનો પર ઉભી રહેશે. મુસાફરો આમાંથી કોઈપણ સ્ટેશનેથી ટ્રેનમાં ચઢી કે ઉતરી શકશે.

આ 12 દિવસીય યાત્રામાં શ્રદ્ધાળુઓને નીચે મુજબના પવિત્ર સ્થળોએ લઈ જવામાં આવશે:
મહાકાલેશ્વર (ઉજ્જૈન)
ઓમકારેશ્વર
સોમનાથ
નાગેશ્વર (દ્વારકા)
ત્ર્યંબકેશ્વર (નાસિક)
ભીમાશંકર (પુણે)
ઘૃષ્ણેશ્વર (ઔરંગાબાદ)
આ સિવાય દ્વારકા અને ભેટ દ્વારકાના દર્શન પણ આ પેકેજમાં સામેલ છે.
પેકેજની કિંમત અને સુવિધાઓ
IRCTC એ મુસાફરોની સુવિધા મુજબ ત્રણ શ્રેણીમાં ભાડું નક્કી કર્યું છે
ઈકોનોમી (સ્લીપર ક્લાસ): આશરે રૂ.23,505 પ્રતિ વ્યક્તિ.
સ્ટાન્ડર્ડ (થર્ડ એસી): આશરે રૂ.36,560 પ્રતિ વ્યક્તિ.
કમ્ફર્ટ (સેકન્ડ એસી): આશરે રૂ.48,500 પ્રતિ વ્યક્તિ.
આ ભાડામાં ટ્રેન ટિકિટ, શાકાહારી ભોજન (સવારનો નાસ્તો, લંચ અને ડિનર), હોટલમાં રોકાણ અને એસી/નોન-એસી બસો દ્વારા લોકલ ટ્રાવેલની સુવિધા સામેલ છે.
બુકિંગ કેવી રીતે કરવું?
આ પેકેજ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇચ્છુક શ્રદ્ધાળુઓ IRCTCની અધિકૃત વેબસાઈટ (www.irctctourism.com) પર જઈને ઓનલાઈન બુકિંગ કરી શકે છે. આ ઉપરાંત IRCTCના પ્રાદેશિક કાર્યાલયો અને ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર પરથી પણ ટિકિટ બુક કરાવી શકાય છે.


