E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaJammu Kashmir : ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ...

Jammu Kashmir : ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સામે ચાલેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોની સાથે એક અબોલ સાથીએ પણ બહાદુરીનો પરિચય આપ્યો છે. સુરક્ષાબળોના સર્ચ ઓપરેશન દરમિયાન આર્મીના ડોગ સ્ક્વોડના સભ્ય ‘ટાયસને’ પોતાના જીવની પરવા કર્યા વગર જવાનોનો જીવ બચાવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષાબળોએ જેશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લા સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સફળતામાં ટાયસનનું યોગદાન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેણે પોતાની ઉપર પહેલી ગોળી ઝીલીને આતંકીઓના લોકેશન શોધવામાં મદદ કરી હતી.

કિશ્તવાડના પાસરકુટ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આતંકીઓના અડ્ડા સુધી પહોંચવાની જવાબદારી ટાયસનને સોંપવામાં આવી હતી. જેવી ટીમ આગળ વધી કે તરત જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ દરમિયાન ટાયસનના પગમાં ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ ઘાયલ હોવા છતાં તે પીછેહઠ કરવાને બદલે આગળ વધતો રહ્યો અને જવાનોને આતંકીઓના સચોટ ઠેકાણા સુધી પહોંચાડ્યા.

ટાયસનની આ બહાદુરીને કારણે સેનાએ નિર્ણાયક કાર્યવાહી કરી અને લાંબા સમયથી ફરાર કુખ્યાત આતંકી સૈફુલ્લાને તેના સાથીઓ સાથે ઢેર કરી દીધો. એન્કાઉન્ટર બાદ ટાયસનને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર છે. ઘટનાસ્થળેથી બે એકે-47 રાઈફલ અને પાંચ મેગેઝિન સહિતનો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં ‘સાયલન્ટ વોરિયર’ તરીકે ઓળખાતા આ બહાદુર ડોગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માનવીના સૌથી વિશ્વાસુ મિત્ર અને દેશના સાચા રક્ષક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments