સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બેનામી ખાતાઓ સાયબર છેતરપિંડીની દુનિયામાં ‘સૌથી નબળી પણ સૌથી મહત્વપૂર્ણ કડી’ છે, કારણ કે આ ખાતાઓની મદદ વિના ગુનાહિત નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવું લગભગ અશક્ય છે.
સુરક્ષા એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં બેનામી બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ બેનામી ખાતાઓ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કરનારી ગેંગના ‘હથિયારો’માંથી એક છે. આ ખાતાઓનો ઉપયોગ મુખ્યત્વે સાયબર છેતરપિંડી માટે થતો હતો. જો કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે વિવિધ આતંકવાદી જૂથો અને અલગતાવાદી દળો પણ આ ખાતાઓનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરી શકે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં આવા 8,000 બેનામી ખાતા શોધી કાઢ્યા છે . આ ખાતાઓ પહેલાથી જ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બેનામી ખાતાઓ સાયબર છેતરપિંડીની દુનિયામાં ‘સૌથી નબળી પણ સૌથી મહત્વપૂર્ણ કડી’ છે, કારણ કે આ ખાતાઓની મદદ વિના ગુનાહિત નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવું લગભગ અશક્ય છે.

આવા બેનામી બેંક ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ કહેવામાં આવે છે. સાયબર છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે પોતાના નામે ખાતાઓનો ઉપયોગ કરતા નથી. તેઓ ગુનાહિત નાણાં વિવિધ સ્થળોએ ટ્રાન્સફર કરવા માટે ત્રીજા વ્યક્તિના ખાતાનો ઉપયોગ કરે છે. પકડાઈ જવાના જોખમને ટાળવા માટે તેઓ આ બેનામી ખાતાઓનો ઉપયોગ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં છેતરપિંડી કરનારાઓ વ્યક્તિને કેટલાક લાભો અથવા કમિશનના વચનથી લલચાવે છે અને આ ગુના માટે તેના બેન્ક ખાતાનો ઉપયોગ કરે છે.
એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીએ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય દળોને આ મુદ્દા અંગે પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. તેમને બેનામી ખાતાઓના પ્રસારને રોકવા અને જેમના ખાતાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તે વ્યક્તિઓને ઓળખવા માટે બેન્કો સાથે સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
હકીકતમાં 2017થી NIAએ જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને રોકવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પરિણામે, હવાલા દ્વારા થતા નાણાકીય વ્યવહારો મોટાભાગે બંધ થઈ ગયા છે. જોકે, અધિકારીઓને શંકા છે કે નવા સંજોગોમાં વૈકલ્પિક પદ્ધતિ તરીકે “ડિજિટલ હવાલા” જેવું નવું મોડેલ રજૂ કરવામાં આવ્યું હશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સમગ્ર કૌભાંડ ઈકોસિસ્ટમ આ ખાતાઓ પર આધાર રાખે છે. પૈસા માટે કોઈ ગંતવ્ય સ્થાન ન હોવાથી, કૌભાંડ પહેલા જ પગલામાં નિષ્ફળ જાય છે. જે લોકો પોતાના ખાતા ભાડે આપે છે તેઓ ફક્ત સંજોગોનો ભોગ બનતા નથી; તેઓ ગુનાના એન્જિન છે.”
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા વિગતવાર અભ્યાસમાં ચીન, મલેશિયા, મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાં એવા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે જેઓ કેન્દ્રશાસિત પ્રદેશના નાગરિકોને ખાનગી ક્રિપ્ટો વોલેટ બનાવવા માટે કહી રહ્યા છે. આ વોલેટ્સ ઘણીવાર VPNનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેથી તેઓ શોધી ન શકાય અને તેમને Know Your Customer (KYC) અથવા ઓળખ ચકાસણીની જરૂર હોતી નથી. જમ્મુ અને કાશ્મીર પોલીસે ખીણમાં VPNના ઉપયોગ પર પહેલાથી જ પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે તે આતંકવાદીઓ અને અલગતાવાદીઓ માટે અજાણ્યા રહેવાનો એક સરળ રસ્તો છે.


