જૂનાગઢમાં સોરઠના આકાશમાંથી ઠંડા પવનના ઝપાટા ફરી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના તાપમાનમાં અચાનક ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીની અસર ગંભીર બની છે.
ખાસ કરીને પર્વતીય અને દરિયાઈ વિસ્તારોમાં આ ઠંડી જીવલેણ સાબિત થઈ છે. ગિરનાર પર્વતના શિખરો પર ન્યૂનતમ તાપમાન માત્ર 8.9 ડિગ્રી સુધી નોધાયું. ઉપરાંત ઝડપી પવનના કારણે સવારથી જ ગિરનાર રોપ-વે સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવી પડયું છે. યાત્રાળુઓને પગપાળા ચઢવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
શહેરી વિસ્તારમાં જૂનાગઢનું ન્યૂનતમ તાપમાન 13.09 ડિગ્રી અને મહત્તમ 18 ડિગ્રી નોંધાયું છે, પરંતુ પર્વત ઉપર એક જ ડિજિટમાં તાપમાન આવી જતાં પ્રવાસીઓ અને સ્થાનિકો બંને થીજી ગયા છે. બીજી તરફ દરિયાકાંઠે ઠંડીએ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળ બંદરના નવા ગોદી વિસ્તારમાં પોતાની બોટમાં સૂતેલા 30 વર્ષીય માછીમાર ધીરુભાઈ ભીમભાઈ બાંભણીયાનું ઠંડીથી ઠુંઠવાઈ જવાથી મોત નીપજ્યું છે.

તેમના ભાઈ રાજુભાઈએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી છે. દરિયામાંથી આવતા ઠંડા-ભીના પવનોએ માછીમારોની હાલત કફોડી કરી છે. હવામાન વિભાગે એક તરફ કમોસમી વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ઉત્તરીય પવનોના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિકોએ ગરમ કપડાં અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


