જૂનાગઢમાં બોરદેવી તરફ જવાના રસ્તે આવેલા પ્રખ્યાત ખોડિયાર માતાજીના મંદિરે સિંહની એક બેલડી પહોંચી હતી. આ સિંહ જોડીએ મંદિરના ઓટા પર જાણે માતાજીની પ્રદક્ષિણા કરી હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.
ગિરનારની પવિત્ર ભૂમિ પર ઘણીવાર વનરાજાના દર્શન થતા હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં એક અત્યંત વિરલ અને ભક્તિમય કહી શકાય તેવી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં બોરદેવી તરફ જવાના રસ્તે આવેલા પ્રખ્યાત ખોડિયાર માતાજીના મંદિરે સિંહની એક બેલડી પહોંચી હતી. આ સિંહ જોડીએ મંદિરના ઓટા પર જાણે માતાજીની પ્રદક્ષિણા કરી હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.

ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં રાત્રિના સમયે ગિરનારના જંગલમાંથી સિંહ અને સિંહણની એક જોડી ખોડિયાર મંદિરે આવી પહોંચી હતી. આ સિંહ બેલડીએ શાંતિપૂર્ણ રીતે મંદિરના ઓટા પર લટાર મારી હતી અને જાણે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર નજારો કોઈ સ્થાનિક અથવા ભક્તના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો હતો.
મંદિરના પ્રાંગણમાં વનરાજાના આ આગમનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. લોકો આ દ્રશ્યોને માતાજીની શક્તિ અને પ્રકૃતિના અનોખા મિલન તરીકે જોઈ રહ્યા છે. ભક્તોમાં આ ઘટનાને લઈને ભારે આશ્ચર્યની સાથે ભક્તિભાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.


