દુકાનમાંથી ૩.૯૭ લાખ રોકડા અને અંદાજે ૧૦.૩૧ લાખની કીમતના મોબાઇલની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસની ટીમો તસ્કરને પકડવા માટે દોડધામ મચાવી છે, તસ્કર ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો છે.
કેશોદમાં વેરાવળ હાઈવે ઉપર સાઈરામ મોબાઇલ નામની દુકાન ધરાવતા રાયસિંગાણી સંજયભાઈએ જણાવ્યું કે, ગતરાતે ૧૦.૧૫ વાગ્યાના અરસામાં તેઓ દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા, અને સવારે દુકાને આવ્યા અને જોયું તો, દુકાનનું શટર અડધું વળી ગયેલું અને શટરને મારેલા તાળા એમના એમજ હતા, અંદર જોયું તો, દુકાનમાં રહેલા મોબાઇલના ખાલી બોક્સનો ઢગલો હતો, અંદર મોબાઇલ ના હતા, અને કાઉન્ટરમાં રાખેલા ૩.૯૭ લાખ રોકડા પણ ગુમ હતા.

તેમની દુકાનમાં મોબાઇલનો રીટેઈલ વેપાર કરવામાં આવતો હોવાથી મોબાઇલની સંખ્યા વધુ હતી, અને અંદાજે ૧૦.૩૧ લાખની કીમતના મોબાઇલ ગુમ હોવાનું પ્રાથમિક અંદાજ છે. જે અંગે તેઓએ કેશોદ પોલીસને જાણ કરતા પોલીસની અલગ અલગ ટીમો દોડી આવી અને તપાસ શરુ કરી છે, દુકાનની અંદરના સીસીટીવી કેમેરા તપાસતા રાતે ૨.૩૦ થી ૩ વાગ્યાના અરસામાં માત્ર એક શખ્સ જેણે માથે વાંદરા ટોપી પહેરી હોય તેવો તેનો ચહેરો સ્પસ્ટ દેખાઈ આવ્યો હતો. અને તે દુકાનમાં ફાંફાફોળા કરીને મોબાઇલ કાઢીને ચોરી કરીને જતો રહ્યો હતો.


