HomeGujaratKachchh: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા

Kachchh: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા

ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે કોલસાની સગડી તરફ વળવાનું શરૂ કર્યું છે. શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ભુજમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં શહેરના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે કોલસાની સગડી તરફ વળવાનું શરૂ કર્યું છે. શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે. નાના-મોટા હોટલ વ્યવસાયીઓથી લઈને ચાની લારીઓ ધરાવતા વેપારીઓ સુધી સૌ કોઈ તાત્કાલિક સગડી તૈયાર કરાવવા માટે કારીગરો પાસે દોડી રહ્યા છે, જેને કારણે કારીગરોને પણ તડાકો બોલી રહ્યો છે.

ભુજના કારીગરો પૈકી તોસિક થેબાએ જણાવ્યું હતું કે, હાલમાં ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની શહેરમાં અછત સર્જાઈ છે. જેને કારણે સ્વાભાવિક પણે જ હોટલ, રેસ્ટોરન્ટ, ચાની રેંકડીઓ સહિતના વેપારીઓને ગેસના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્યારે હવે ધંધા રોજગાર બંધ ન કરવા પડે તે માટે તેઓએ ગેસના વિકલ્પ તરીકે સગડીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

પરિણામે હાલ દરરોજ નાની અને મોટી મળી 16થી વધુ સગડીનું વેચાણ થઈ રહ્યું છે. હાલમાં રૂપિયા 1500થી લઈને રૂપિયા 25,000 સુધીની વિવિધ સાઈઝ અને ડિઝાઈનની સગડીઓની માગમાં ભારે ઉછાળો આવ્યો છે. વધતી માગને કારણે કારીગરોને અત્યારે સારો ધંધો મળી રહ્યો છે. અંતમાં તેમણે જે રીતે સગડીની માગમાં વધારો થયો છે તેને ધ્યાને લઈને સૌ કારીગરોએ લોખંડના ડેલા, બારણા, દરવાજા, ખડકી અને દુકાનોના શટર બનાવવા સહિતની કામગીરી હાલ પૂરતી બાજુએ મૂકી સંપૂર્ણ ધ્યાન સગડી બનાવવામાં કેન્દ્રીત કર્યું છે. ગેસની અછત કેટલો સમય રહેશે તેની અનિશ્ચિતતા વચ્ચે હાલ તો કોલસાની સગડી વેપારીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments