કાનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે કલેક્ટર કચેરીના ત્રણ જુનિયર ક્લાર્ક (નેહા, અમિત અને પ્રેમનાથ) ને ટાઇપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ પ્યુન તરીકે પદભ્રષ્ટ કર્યા છે. આ કર્મચારીઓ ત્રણ વર્ષ પછી પણ પ્રતિ મિનિટ 25 શબ્દોની ટાઇપિંગ ગતિ પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા.
કાનપુરના કલેક્ટર જિતેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા લેવામાં આવેલા એક કડક અને અભૂતપૂર્વ નિર્ણયની આ વાત છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કાર્યક્ષમતાને લઈને લેવામાં આવેલા આ પગલાએ સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે.
કાનપુર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ જુનિયર ક્લાર્ક (કનિષ્ઠ લિપિક) ને ટાઈપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા બદલ તેમના પદ પરથી હટાવીને સીધા ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા) બનાવી દેવામાં આવ્યા છે. કાનપુરના વહીવટી ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે.

કર્મચારીઓની વિગત અને નિયમો
આ કાર્યવાહીનો ભોગ બનનાર ત્રણ કર્મચારીઓ છે:
- નેહા શ્રીવાસ્તવ
- અમિત યાદવ
- પ્રેમનાથ યાદવ
આ ત્રણેયની નિમણૂક ‘મૃતક આશ્રિત ક્વોટા’ હેઠળ કરવામાં આવી હતી. સરકારી નિયમ મુજબ, આવા કર્મચારીઓએ તેમની સેવાની શરૂઆતના એક વર્ષમાં ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય હોય છે. આ ટેસ્ટમાં તેમની ટાઈપિંગ સ્પીડ ઓછામાં ઓછી 25 શબ્દ પ્રતિ મિનિટ હોવી જરૂરી છે.
સુધરવા માટે મળ્યા હતા ૩ વર્ષ
એવું નથી કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કર્મચારીઓને તેમની યોગ્યતા સાબિત કરવા માટે પૂરતી તકો આપવામાં આવી હતી:
વર્ષ 2023-24: જ્યારે તેઓ પ્રથમ વખત ટાઈપિંગ ટેસ્ટમાં નાપાસ થયા, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ઉદારતા દાખવીને માત્ર તેમની વાર્ષિક પગાર વૃદ્ધિ (ઇન્ક્રીમેન્ટ) રોકી દીધી હતી અને સુધરવાની તક આપી હતી.
વર્ષ 2025 : આ વર્ષે આયોજિત અંતિમ પરીક્ષામાં પણ તેઓ 25 શબ્દ પ્રતિ મિનિટની નિર્ધારિત ઝડપ મેળવી શક્યા નહીં.
3 વર્ષ સુધી તક આપવા છતાં પણ પરિણામ શૂન્ય રહેતા, જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંઘે કડક વલણ અપનાવીને ત્રણેયને ડિમોટ (Demote) કરવાનો આદેશ અપાયો.
એડીએમ સિટી ડો. રાજેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે સેવા શરતો મુજબ ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હતી. વારંવાર તક આપવા છતાં સુધારો ન થતા આ શિસ્તભંગના પગલાં લેવાયા છે. હવે આ ત્રણેય વ્યક્તિઓ ક્લાર્કને બદલે પટાવાળા તરીકે ફરજ બજાવશે.


