રિયલ નમકીન (લક્ષ્મી સ્નેક્સ) ના 1,000 કામદારો વેતન વધારા અને શોષણના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે.
પ્રખ્યાત ‘રિયલ નમકીન’ બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે 1,000 જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જોડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, મશીનોની સ્પીડ નિયત 85 થી વધારીને 100 કરી દેવામાં આવી છે, જેના કારણે કામદારો પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. સુરક્ષાના સાધનોના અભાવે પણ કામદારોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં 1,000 કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે. કામદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામ શરૂ કરવામાં આવશે નહીં.


