કચ્છ જિલ્લામાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો હવે ફિલ્મી ઢબે દારૂ છુપાવવાના કીમિયા અજમાવી રહ્યા છે. રાપર તાલુકાના ગાગોદર ગામે પોલીસે એક એવી જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કે જે જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક મકાનમાં પલંગ નીચે ખાસ પ્રકારનું ભૂગર્ભ ભોંયરું બનાવીને તેમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગાગોદરના વાસુદેવસિંહ નામના શખ્સના મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસની ટીમે દરોડો પાડ્યો, ત્યારે ઉપરછલ્લી તપાસમાં કાંઈ ખાસ મળ્યું નહોતું. જોકે, બેડરૂમમાં રાખેલા પલંગ પર શંકા જતાં પોલીસે તપાસ આદરી હતી.પોલીસે જ્યારે પલંગનું પાટિયું હટાવ્યું, ત્યારે નીચે કોઈ લાકડાનો કબાટ નહીં પણ એક મજબૂત ભૂગર્ભ ટાંકો (ભોંયરું) જોવા મળ્યું હતું. આ ભોંયરામાં તપાસ કરતા પોલીસને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 2.61 લાખનો દારૂ જપ્ત કર્યો છે.

આરોપીએ એવી રીતે ભોંયરું બનાવ્યું હતું કે સામાન્ય તપાસમાં કોઈને અંદાજ પણ ન આવે કે પલંગ નીચે લાખોનો મુદ્દામાલ હોઈ શકે છે. જોકે, પોલીસની સતર્કતાને કારણે બુટલેગરનો આ ગજબનો કીમિયો નિષ્ફળ સાબિત થયો છે.આ મામલે મુખ્ય આરોપી વાસુદેવસિંહ સહિત કુલ ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધીને આ ત્રણેય આરોપીઓની શોધખોળ તેજ કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં બીજા કોણ સામેલ છે, તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.


