નખત્રાણા તાલુકાના મુરુ ગામે એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે.
કચ્છ જિલ્લામાં આવેલા નખત્રાણા તાલુકાના મુરુ ગામે એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેણે વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. નખત્રાણાના મુરુ ગામના રહેવાસી રમેશ મહેશ્વરી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક રમેશની હત્યા તેના જ મિત્ર કિશોર દ્વારા કરવામાં આવી છે.

પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન મૃતક રમેશનો મોબાઈલ ફોન તેના મિત્ર કિશોર પાસેથી મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોને જ હત્યાના તમામ રાઝ ખોલી દીધા હતા.પોલીસની પૂછપરછમાં આરોપી કિશોરે કબૂલ્યું કે હત્યાનું મુખ્ય કારણ એક યુવતી સાથેના પ્રેમ સંબંધો હતા. મૃતક રમેશ અને આરોપી કિશોર બંન્ને એક જ યુવતીને પ્રેમ કરતા હતા, જેના કારણે આ બંન્ને મિત્રો વચ્ચે અગાઉ પણ તીવ્ર ઝઘડો થયો હતો. આ અંગત અદાવતમાં જ કિશોરે રમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપી કિશોરે માત્ર હત્યા જ નહોતી કરી, પરંતુ તેણે ક્રૂરતાની હદ વટાવીને મૃતક રમેશની લાશના ટુકડા કરી નાખ્યા હતા. હત્યા બાદ લાશના આ ટુકડાઓને તેણે ત્રણ અલગ-અલગ બોરમાં નાખી દીધા હતા. પોલીસે હવે આરોપી કિશોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે. આ બનાવને પગલે સમગ્ર નખત્રાણા પંથકમાં આઘાત અને ચર્ચાનો વિષય બન્યો છે.


