બુધવારે સવારે બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું. ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા.
મહારાષ્ટ્રના રાજકારણ માટે બુધવારનો દિવસ અત્યંત દુઃખદ સાબિત થયો. બુધવારે સવારે બારામતી નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું. આ અકસ્માતમાં વિમાનના બંને પાઇલટ સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અજિત પવાર મુંબઈથી બારામતીમાં યોજાનારી જાહેર સભા અને ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 8:45 વાગ્યે લેન્ડિંગ દરમિયાન થઈ હતી. તે સમયે બારામતી વિસ્તારમાં ભારે ધુમ્મસ છવાયેલું હતું અને દૃશ્યતા માત્ર 800 મીટર જેટલી રહી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં વિમાન ઉતારવું પાઇલટ માટે અત્યંત પડકારજનક બની ગયું હતું.અહેવાલોમાં જણાવ્યા મુજબ, બારામતીની હવાઈ પટ્ટી પર રાત્રિ અથવા ઓછી દૃશ્યતામાં ઉતરાણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ધુમ્મસ અને નબળી દૃશ્યતા વચ્ચે જ્યારે વિમાને લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે કાબુ ગુમાવી બેઠું. વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ પરથી લપસી ગયું અને નજીકના ખેતરમાં ક્રેશ થયું.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન ઉતરાણ દરમિયાન લથડી રહ્યું હતું અને થોડા સેકન્ડોમાં જ જોરદાર અવાજ સાથે જમીન પર પટકાયું. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં આગ લાગી ગઈ. અકસ્માત બાદ સતત 5 જેટલા વિસ્ફોટના અવાજ સંભળાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભયના માહોલમાં આવી ગયો હતો.
સ્થાનિક લોકો ધુમાડો ઉઠતો જોઈ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કાર્યમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ એટલી ભયાનક હતી કે વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું. આ દુર્ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ. કપડાં અને અન્ય ચિન્હોના આધારે ઓળખ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અજિત પવારનો મૃતદેહ બારામતીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હોસ્પિટલની બહાર તેમના પરિવારજનો, સમર્થકો અને કાર્યકરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી છે. રાજકીય નેતાઓ અને સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતા આ વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. જોકે, સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર નાના એરસ્ટ્રીપ પર સુરક્ષા અને આધુનિક સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.


