મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવી રહ્યા છે, જેના કારણે BMC ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.
મહા વિકાસ આઘાડી (MVA) ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સામે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ખાસ અસરકારક સાબિત થઈ નથી. વારંવારની હાર બાદ હવે MVAનું ભવિષ્ય અનિશ્ચિત લાગે છે. આવી સ્થિતિમાં શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) અને મનસે (રાજ ઠાકરે)નું ગઠબંધન એક નવી રાજકીય આશા તરીકે જોવામાં આવી રહ્યી છે.BMC ચૂંટણી પહેલા રાજ અને દ્ધવ ઠાકરે એક સામાન્ય મંચ પર આવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે મુંબઈમાં બંને પક્ષો ઔપચારિક રીતે તેમના ગઠબંધનની જાહેરાત કરશે. શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે બંને પક્ષો વચ્ચેની ચર્ચા સરળતાથી આગળ વધી છે અને હવે સાથે ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થયો છે.

તાજેતરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ અને તેની મહાયુતિએ સારું પ્રદર્શન કર્યું છે. છતાં BMC જેવી મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થિતિ અલગ હોઈ શકે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે રાજ અને ઉદ્ધવ સાથે આવવાથી મરાઠી મતદારોનું વિભાજન અટકી શકે છે, જે અત્યાર સુધી ભાજપ માટે ફાયદાકારક હતું.
ઠાકરે બંધુઓ મરાઠી માનુષના મુદ્દાને કેન્દ્રમાં રાખે છે. મુંબઈમાં મરાઠી ભાષી લોકો આશરે 26% છે, જ્યારે મુસ્લિમ વસ્તી 15–18% જેટલી છે. આ બંને વર્ગને સાથે લાવવાની ક્ષમતા આ ગઠબંધનમાં જોવા મળી રહી છે, જે ભાજપ માટે કદાચ મુશ્કેલી ઊભી કરી શકે છે.
2024ની વિધાનસભા ચૂંટણીમાં મનસેનું કુલ પ્રદર્શન નબળું રહ્યું હોવા છતાં, મુંબઈના ઘણા વિસ્તારોમાં તેનો પ્રભાવ હજુ પણ દેખાય છે. 227 BMC વોર્ડમાંથી લગભગ 123 વોર્ડમાં મનસેના મતોએ પરિણામ પર અસર કરી હતી. 67 વોર્ડમાં મનસે મજબૂત સ્થિતિમાં હતી. નિષ્ણાતો કહે છે કે મનસે સાથે ગઠબંધનથી શિવસેનાની સ્થિતિ તે વોર્ડોમાં પણ મજબૂત બની શકે છે, જ્યાં અત્યાર સુધી મહાયુતિ આગળ હતી. વર્લી, દાદર, માહિમ, ઘાટકોપર, વિક્રોલી, દિંડોશી અને મલાડ જેવા મરાઠી બહુમતી વિસ્તારોમાં આ જોડાણ ખાસ અસર કરી શકે છે.
ઉદ્ધવ અને રાજ બંનેના રાજકારણના કેન્દ્રમાં મરાઠી ઓળખ છે. બાલ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનામાંથી રાજ ઠાકરે 2006માં અલગ થયા હતા અને મનસે બનાવી હતી. લગભગ 20 વર્ષ પછી હવે બંને ફરી એકસાથે આવી રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં હિન્દી લાદવાના નિર્ણય સામે બંનેએ એકસાથે વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમને સમજાયું કે BMC જાળવી રાખવા અને અન્ય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સત્તા મેળવવા માટે એકતા જરૂરી છે.


