રાજસ્થાનના પિલાની ખાતે આ મામલે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ જોડતા તપાસના તાર ઊંઝા સુધી લંબાયા હતા. રાજસ્થાન પોલીસની ટીમે ગુજરાત આવી સ્થાનિક પોલીસની મદદથી મહિલા આચાર્યને દબોચી લીધી હતી.
ઊંઝા તાલુકાની લીંડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા મુખ્ય શિક્ષિકા (આચાર્ય) કાજલબેન પટેલની રાજસ્થાન પોલીસ દ્વારા ગંભીર ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. કાજલબેન પર આરોપ છે કે તેમણે તેમના પતિના લગ્નેતર સંબંધોથી કંટાળીને પતિની પ્રેમિકાની હત્યા કરાવવા માટે પ્રોફેશનલ કિલરોને સોપારી આપી હતી. રાજસ્થાનના પિલાની ખાતે આ મામલે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ જોડતા તપાસના તાર ઊંઝા સુધી લંબાયા હતા. રાજસ્થાન પોલીસની ટીમે ગુજરાત આવી સ્થાનિક પોલીસની મદદથી મહિલા આચાર્યને દબોચી લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાજલબેનના પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરમાં વારંવાર કલેશ થતો હતો. આ કાંટાને કાયમ માટે દૂર કરવા મહિલા આચાર્યએ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પિલાની પોલીસે ધરપકડ બાદ કાજલબેનને રાજસ્થાન લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરી છે કે તેમણે સોપારી પેટે કેટલી રકમ આપી હતી અને આ ષડયંત્રમાં અન્ય કોણ સામેલ છે. એક જવાબદાર પદ પર બેઠેલા મહિલા આચાર્યની આવા જઘન્ય ગુનામાં ધરપકડ થતા સમગ્ર પંથકમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.


