ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ આ બેઠકો જીતવા કમર કસી છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના કેટલાક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને “ફૂટેલી કારતૂસો”ને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી છે. આ વિવાદ વચ્ચે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિજ્ઞેશ મેવાણીની તસવીરો વાઈરલ થતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી મુજબ, કડી વિધાનસભા બેઠક પરના AAPના ઉમેદવાર જગદીશ ચાવડા અને યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એકબીજાના પરિચિત છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે, જે મંચની સ્થાપના મેવાણીએ વર્ષ 2016માં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર “ફૂટેલી કારતૂસો”ને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી તેના બીજા જ દિવસે જગદીશ ચાવડા સાથેની તેમની તસવીરો વાઈરલ થતાં રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. આ તસવીરો જાણીજોઈને વાઈરલ કરવામાં આવી છે કે કેમ તે મોટો સવાલ છે. આ ઉપરાંત, એક અન્ય ચર્ચા પણ જોર પકડી રહી છે કે શું કડી વિધાનસભા બેઠક પર AAPના ઉમેદવાર જગદીશ ચાવડા હશે તેવી શક્યતાને કારણે જ મેવાણીએ કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી નહોતી?