મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 5 વર્ષની બાળકી સહિત 8 લોકોને કૂતરા કરડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાંથી કુલ 8 લોકોને કૂતરાઓએ કરડવાની ઘટના સામે આવી છે. આ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસોની લાઈનો લાગી હતી. જેમાં રણછોડનગરમાં રહેતી માત્ર 5 વર્ષની બાળકી આરજુબેન રિયાઝભાઈ પણ કૂતરાનો શિકાર બની હતી. આ ઉપરાંત ઘુનડા, વાધરવા, લખધીરનગર અને સામાં કાંઠા વિસ્તારમાં પણ કૂતરાઓએ લોકોને નિશાન બનાવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી.

ઇજાગ્રસ્તોની યાદી
આરજુબેન રિયાઝભાઇ (ઉ.વ. 5) – રણછોડનગર
ભાર્ગવ દેવજીભાઈ (ઉ.વ. 16) – સામાં કાંઠે
શર્માબેન પ્રકાશભાઈ (ઉ.વ. 21) – ખાનપર
તેજલબેન કંઝારીયા (ઉ.વ. 27) – વાધરવા
રાકેશભાઈ નાનાભાઇ (ઉ.વ. 30) – ઘુનડા રોડ
કિશોરભાઇ ઊકાભાઈ ઉડેચા (ઉ.વ. 40) – લખધીરનગર
ટીનાબેન તુમલભાઈ (ઉ.વ. 43) – ઘુનડા
પ્રકાશભાઈ (અન્ય એક સ્થાનિક)
તંત્રની કામગીરી સામે સવાલ
મોરબીમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને પગપાળા જતા બાળકો માટે આ કૂતરાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓના ખસીકરણ કે તેમને પકડવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે.


