મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર હાલમાં કાળા વાદળો છવાયા છે. વૈશ્વિક ભૌગોલિક તણાવ અને ઈંધણની તીવ્ર અછતને કારણે આ ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે ભારત જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં ટાઇલ્સ અને સેનિટરી વેર પહોંચાડે છે, તે હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર મોરબીના કારખાનાઓ પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ વધુ 70 કારખાનાઓ બંધ થઈ જતાં ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

સિરામિકના એકમો બંધ થવા પાછળનું મુખ્ય કારણ પ્રોપેન ગેસની ભારે અછત માનવામાં આવી રહી છે. છેલ્લા છ દિવસથી પ્રોપેન ગેસની નિયમિત સપ્લાય ખોરવાઈ ગઈ છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેના કારણે મોરબીમાં અત્યાર સુધીમાં કુલ 170 એકમો બંધ કરવાની ફરજ પડી છે. ગેસ વિના ભઠ્ઠીઓ (Kilns) ચલાવવી અશક્ય હોવાથી કરોડો રૂપિયાના ઓર્ડર્સ પેન્ડિંગ પડ્યા છે અને દૈનિક ટર્નઓવરને મોટો ફટકો પડ્યો છે.
મોરબી આસપાસના વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. ઉદ્યોગકારો મૂંઝવણમાં છે કે ગેસની નિયમિત સપ્લાય ક્યારે શરૂ થશે? જો યુદ્ધ લાંબુ ચાલશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ધમધમતો થશે તે એક મોટો પ્રશ્નાર્થ છે. હજારો શ્રમિકોની રોજીરોટી પણ આ સ્થિતિને કારણે જોખમમાં મુકાઈ છે. તંત્ર અને ઉદ્યોગ સંગઠનો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ પર કોઈનું નિયંત્રણ ન હોવાથી હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની સ્થિતિ છે.


