મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો. એરપોર્ટ પર વિદેશી નાગરિકની હિલચાલ પર શંકા જતા તપાસ કરવામાં આવી. જેના બાદ આ શખ્સ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળતા તેની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ જે વિદેશી નાગરિક પાસેથી ડ્રગ્સ મળી આવ્યું તે મૂળ યુગાન્ડાના છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક 24 અને 25 તારીખની રાત્રે યુગાન્ડાનો નાગરિક મુંબઈ પહોંચ્યો હતો. જ્યાં એરપોર્ટ પર કરવામાં આવતી પૂછપરછ દરમિયાન તે અસ્વસ્થ જણાયો હતો. વિદેશી નાગરિક નર્વસ અને બેચેન જોવા મળતા તેના પર શંકા વધી ગઈ. અને શંકાના આધારે વધુ તપાસ કરવા તેની અટકાયત કરવામાં આવી. યુગાન્ડાના નાગરિકની તપાસ કરતા તેની પાસે મોટી માત્રામાં કોકેન જથ્થો હોવાનું સામે આવ્યું.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે યુગાન્ડના નાગરિકના સામાનમાંથી અમને કોઈ શંકાસ્પદ સામાન ના મળ્યો. જેના બાદ શંકાના આધારે અમે ડોકટરોની દેખરેખ હેઠળ તબીબી તપાસ કરી. અને તેના પેટમાંથી 8.66 કરોડ રૂપિયાની કિંમતનું 886 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે યુગાનાન્ડાના નાગરિકે એરપોર્ટ પર પંહોચતા પહેલા પીળી રંગની ગોળીઓ ગળી લીધી હતી. આ ગોળીઓ સર્જરી દ્વારા યુગાન્ડાના નાગરિકના પેટમાંથી બહાર કાઢવામાં આવી. આ મામલે અધિકારીએ વધુમાં જણાવ્યું કે હાલમાં વિદેશની નાગરિકને ડ્રગ્સ હેરાફેરી મામલે ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 8 કરોડ 66 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મુસાફરની NDPS એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે આ ડ્રગ્સ દાણચોરી મામલે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની સતર્કતા અને પ્રોફાઇલિંગ તકનીકોની સફળતાને પ્રતિબિંબિત કરે છે, જે આંતરરાષ્ટ્રીય દાણચોરીના પ્રયાસોને સતત રોકી રહી છે. આના એક અઠવાડિયા પહેલા પણ કસ્ટમ અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી બે અલગ અલગ કેસમાં કુલ 5.75 કિલો સોનું જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત આશરે 5.10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.