E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratNarmada : મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો...

Narmada : મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ

નર્મદા જિલ્લામાં દેવમોગરા ખાતે આવેલું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે પરંતુ આ દેવી પૂજાની વિશેષતા એ છે કે આજના પવિત્ર મહા શિવરાત્રિના દિવસે આ વિસ્તારમાં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. આદિવાસી સમાજમાં અનાદિકાળથી યોજાતો અહીંનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

નર્મદા જિલ્લાના સાગબારાના ગીચ જંગલોમાં, સાતપુડાની તળેટીમાં આવેલું દેવમોગરા ધામ આજે લાખો આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ, અહીં શિવરાત્રીએ કુળદેવી પાંડોરી માતાનો ભવ્ય મેળો ભરાય છે. આ સ્થળ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલું છે.

જ્યાં ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાની બાધા પૂરી કરવા આવે છે. અનોખી વાત એ છે કે, અહીં નૈવેદ્યમાં વાંસની ટોપલીમાં નવું અનાજ, દેશી દારૂ અને મરઘા-બકરા ચઢાવવાની પરંપરા છે. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના સાક્ષાત્ દર્શન થાય છે.

શ્રદ્ધાળુઓ માને છે કે અહીં પ્રસાદમાં મળેલું ધાન્ય જો અનાજના કોઠારમાં રાખવામાં આવે, તો આખું વર્ષ અનાજ ક્યારેય ખૂટતું નથી. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદભુત સંગમ સમાન દેવમોગરાનો મેળો આજે સાચા અર્થમાં લોકસંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments