અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે. અયોધ્યામાં રામ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે સુરક્ષા દળોએ એક યુવકને ધાર્મિક પ્રવૃતિ કરતા અટકાયત કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવકે રામ મંદિર પરિસરના દક્ષિણ પરકોટા વિસ્તારમાં સીતા રસોઈ પાસે નમાઝ પઢવાનોનો પ્રયાસ કર્યો. આ યુવક કાશ્મીરનો છે. તે રામ મંદિરમાં ગેટ D1 દ્વારા ઘૂસ્યો હતો. આ યુવકનું નામ અહેમદ શેખ છે.
પ્રત્યક્ષદર્શીઓ અને સૂત્રોના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવતા યુવકે કથિત રીતે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ ઘટના સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો.

ઘટનાની સૂચના મળતા જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના ઈરાદા અને પૃષ્ઠભૂમિની સઘન તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટના આજે સવારે બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે.


