ઇન્દોરના રહેવાસી કરોડપતિ ભિક્ષુક માંગીલાલ કિસ્સામાં નવો વળાંક આવ્યો. માંગીલાલના પરિવાર દ્વારા સરકારના કરોડપતિ હોવાના દાવા પર ખુલાસો કરવામાં આવ્યો છે.ભારતમાં ભિક્ષુક દેખાતી વ્યક્તિ કરોડપતિ નીકળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વ્યક્તિ ઇન્દોરના રહેવાસી માંગીલાલ છે. ગઇકાલ 19 જાન્યુઆરીના રોજ સમાચાર સામે આવ્યા હતા કે ઇન્દોરમાં સરાફા બજારમાં લાકડીની ગાડી પર બેસેલા અપંગ માંગીલાલ એક ભિક્ષુક છે. પરંતુ તેઓ કરોડોની સંપત્તિના માલિક પણ છે. માંગીલાલના પરિવારે દાવાઓ પર ખુલાસો કર્યો છે. પરિવારે સરકારના દાવાઓને ખોટા ગણાવ્યા છે.
ઇન્દોરના સરાફા વિસ્તારમાં દેખાતા ભિક્ષુક માંગીલાલને રેસ્ક્યૂ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. માંગીલાલ પાસે ત્રણ મકાન, એક રિક્ષા અને એક કાર છે. વહીવટીતંત્ર દ્વારા દાવો કરાયા કે ભિક્ષુક દેખાતા માંગીલાલ ત્રણ મકાનના માલિક છે. તેમની પાસે ત્રણ ઓટો-રિક્ષા અને એક કાર પણ છે. રીક્ષા તેમણે ભાડે આપી દીધી છે અને કાર માટે તેઓ ડ્રાઇવર રાખતા હતા. તંત્રના આ દાવાઓ બાદ આ કિસ્સાએ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોએ માંગીલાલને કરોડપતિ અને અબજોપતિ ભિખારી કહેવાનું શરૂ કર્યું. માંગીલાલના પરિવાર એટલે કે તેમના ભત્રીજાએ આ બાબતે મૌન તોડયું છે. માંગીલાલના ભત્રીજાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી.

માંગીલાલના ભત્રીજાએ કહ્યું કે તેઓ ભિખી માગવા નહીં પણ પણ વસૂલાત માટે જતા હતા. તે કરોડપતિ હોવાના વહીવટીતંત્રના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા. તેમના ભત્રીજાએ સવાલ ઉઠાવતા કહ્યું કે “મારા કાકાની મિલકત અંગે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમના નામ જે ત્રણ માળનું ઘર છે તે મારી માતાના નામે નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાં બધું સ્પષ્ટ છે. હું તે ઘર માટે લીધેલી લોનના હપ્તા વ્યક્તિગત રીતે ચૂકવું છું. અમારી પાસે તેને લગતા બધા દસ્તાવેજો છે.” તેમણે એમ પણ કહ્યું કે પરિવાર બીજા વ્યક્તિ સાથે બીજા ઘર અંગે વિવાદમાં ફસાયેલો છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.
ઇન્દોર વહીવટીતંત્ર દ્વારા એક અભિયાન હાથ ધરાયું હતું. શહેરમાં રસ્તે રખડતા ભિખારીઓને આશ્રય મળે તેને લઈને એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરને ભિખારીથી મુક્ત કરવાની આ ઝુંબેશમાં તેઓ વિસ્તાર મુજબ માહિતી લઈ રહ્યા હતા. દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગને સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી કે સરાફા વિસ્તારમાં એક રક્તપિત્તગ્રસ્ત વ્યક્તિ ભીખ માંગી રહ્યો છે. જેના બાદ વિભાગના અધિકારીઓએ માંગીલાલને મદદ કરવા તેને આશ્રય ગૃહમાં મોકલી દીધો. પ્રાથમિક તપાસમાં નોડલ ઓફિસર દિનેશ મિશ્રાને જાણવા મળ્યું કે માંગીલાલ 2021-22 થી ભીખ માંગી રહ્યો છે.
નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ આ મામલે વધુ માહિતી આપતા કહ્યું કે માંગીલાલ 2021-22 થી ભીખ માગી રહ્યો છે પરંતુ તેણે બુલિયન માર્કેટમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા ઉછીના આપ્યા છે, જેનાથી તેમને દરરોજ 1000 થી 2000 રૂપિયાની આવક થતી હતી. વધુમાં, તેઓ ભીખ માંગીને દરરોજ 400 થી 500 રૂપિયા કમાતા હતા. તેમણે ઉમેર્યું હતું કે માંગીલાલને એક આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે. વહીવટીતંત્રે કહ્યું કે માંગીલાલની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તમામ તથ્યો અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


