ઉત્સવો અને ઉજવણીઓને બદલે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવા માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કાશી વિશ્વનાથની મુલાકાત લેવાની એક નવી પરંપરા ઉભરી આવી છે.
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અને વળી જે લોકોએ નોકરીમાં આખુ વર્ષ રજા ન લીધી હોય તેઓ ડિસેમ્બરમાં તો રજા લેવાના જ. એટલે હાલમાં કોઇ ફરવાલાયક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ. લોકોનો ધસારો વધી ગયો છે.
આવી જ સ્થિતિ છે વારાણસીની. રોજના બેથી અઢી લાખ પર્યટકો અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી રહ્યા છે. ભીડ એટલી વધી ગઇ છે કે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે બુધવારથી સ્પર્શ દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પ્રતિબંધિત રહેશે. એસડીએમ શંભુ શરણએ જણાવ્યું હતું કે ભક્તો મંદિરમાં આવવાનું શરૂ કરી દીધું છે.

દેશના ખૂણે ખૂણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે ભક્તોને ઝિગ-ઝેગ લાઇન સિસ્ટમ દ્વારા મંદિર પરિસરમાં દિશામાન કરવામાં આવશે. દરરોજ બે લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ભક્તોની સંખ્યા છ લાખ સુધી પહોંચવાની ધારણા છે.
ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ ફેડરેશનના સંયોજક એ.કે. સિંહે જણાવ્યું હતું કે શ્રી કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના નિર્માણ પછી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કાશીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા દેશમાં અન્ય કોઈપણ પર્યટન સ્થળની તુલનામાં સૌથી વધુ છે.વારાણસીએ ત્રણ વર્ષ પહેલાં આગ્રા અને ગોવાને પાછળ છોડી દીધા હતા.
દસ વર્ષ પહેલાં લોકો પશ્ચિમી વિચારો આધારિત નવું વર્ષ ધામધૂમથી ઉજવવાની પરંપરા હતી. લવર્સ પોઇન્ટ, આગ્રા અથવા બીચ પોઇન્ટ, ગોવા, દુબઈ અને કાઠમંડુની મુલાકાત લેવાનો ટ્રેન્ડ હતો. પરંતુ હવે પરિવારની સુખાકારી માટે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે, આખા વર્ષ દરમિયાન પ્રાર્થના કરવા માટે બાબા વિશ્વનાથના દરબારની મુલાકાત લેવાની એક નવી પરંપરા ઉભરી આવી છે. આશ્ચર્યજનક રીતે, વર્ષના અંતે સૌથી વધુ સંખ્યામાં યુવાનો કાશીની મુલાકાત લે છે.


