E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9...

National : ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9 ઈજાગ્રસ્ત

18મી સદીના શાસક ટીપુ સુલતાન ફરી એકવાર ભારતીય રાજકારણના કેન્દ્રમાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે મરાઠા સામ્રાજ્ય પર હુમલો કરનારા ટીપુ સુલતાન સાથે છત્રપતિ શિવાજી મહારાજની તુલના કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પુણેમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ભવન પર વિરોધ પ્રદર્શન કર્યું. હર્ષવર્ધન સપકાલ અને રાહુલ ગાંધીની તસવીરોને ટીપુ સુલતાનના વેશ વાળા પોસ્ટર સાથે જોડીને ‘જૂતે મારો’ આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના ચાલી રહેલા આંદોલન દરમિયાન તેમના જૂઠ તરફથી પથ્થર ફેંકવામાં આવ્યો હતો.

ટીપુ સુલતાન અંગેના વિવાદ મુદ્દે રવિવારે પુણેમાં વિપક્ષના કાર્યાલય પાસે ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ પત્રકારોને જણાવ્યું કે, ‘પથ્થરમારામાં ત્રણ કોંગ્રેસના કાર્યકરો, બે ભાજપના કાર્યકરો, બે પોલીસકર્મીઓ અને બે મીડિયાકર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે. કોંગ્રેસ ભવન પાસે વિરોધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંને પક્ષના કાર્યકરો દિવાલો પર ચઢી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. બંને પક્ષના કાર્યકરો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે.’

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોડી સાંજે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસના પુણે શહેર યુનિટના અધ્યક્ષ અરવિંદ શિંદેએ કહ્યું કે, પાર્ટીએ ભાજપના અધિકારીઓ વિરુદ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. મેયર મંજુષા નાગપુરે, ભાજપ શહેર યુનિટના અધ્યક્ષ ધીરજ ઘાટે, દુષ્યંત મોહોલ અને અન્ય કાર્યકરો વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

મહારાષ્ટ્રમાં શુક્રવારે માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શાન-એ-હિંદ નિહાલ અહેમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાને લઈને રાજકીય વિવાદ વકર્યો હતો. શિવસેનાના કાઉન્સિલરો અને હિન્દુ સંગઠનોએ તેના પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સપકાલે છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને ‘સ્વરાજ’ના વિચારને રજૂ કરવાની તેમની રીતનો ઉલ્લેખ કર્યો અને ટીપુ સુલતાનના અંગ્રેજો સામે યુદ્ધના આહવાનનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો હતો કે, આ લડાઈ શિવાજી મહારાજના આદર્શો અનુસાર હતી.

આ અગાઉ એક દિવસ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંતે ભાજપ પર ‘બેવડા ધોરણો’ અપનાવવાનો અને ધ્રુવીકરણના એજન્ડાને ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. એક નિવેદનમાં કોંગ્રેસ નેતાએ અનેક ઉદાહરણોનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓએ અગાઉ જાહેર સ્થળોએ અને સત્તાવાર મંચ પર 18મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલતાનની પ્રશંસા કરી હતી. સાવંતે અકોલા અને મુંબઈમાં મ્યુનિસિપલ સંસ્થાઓમાં પસાર થયેલા ઠરાવો તેમજ અગાઉના એવા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ભાજપના નેતાઓએ ટીપુ સુલતાનની પ્રશંસા કરી હતી અને તેમની સાથે જોડાણ દર્શાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, પાર્ટીનો વર્તમાન વિરોધ રાજકીય રીતે પ્રેરિત છે. ભાજપના નેતાઓએ સપકાલની ટિપ્પણીઓની નિંદા કરતા પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટીપુ સુલતાન ઈતિહાસની એક વિવાદાસ્પદ હસ્તી છે. જ્યાં એક વર્ગ અંગ્રેજો સામેની લડાઈમાં તેમની બહાદુરીની પ્રશંસા કરે છે, તો બીજી તરફ બીજો વર્ગ દક્ષિણ ભારતના ઘણા હિસ્સાઓમાં હિન્દુઓ સાથેના તેમના ‘દુર્વ્યવહાર’ માટે તેમની ટીકા કરે છે. તેનાથી વિપરીત છત્રપતિ શિવાજી મહારાજની તેમની લશ્કરી પ્રતિભા તેમજ પરોપકાર અને સામાજિક કલ્યાણ પર આધારિત તેમની વહીવટી કુશળતા માટે વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે. સાવંતે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, ‘ભાજપ પહેલા ટીપુ સુલતાનની પ્રશંસા કરતી હતી પરંતુ હવે ધ્રુવીકરણના તેના એજન્ડાના ભાગ રૂપે તેમને ખરાબ ગણાવી રહી છે. આ પાખંડને શું નામ આપવામાં આવે? ટીપુ સુલતાન ભગવાન રામના નામવાળી વીંટી પહેરતા હતા.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments