ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મુસાફરોની સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. સંસદીય સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટ મુજબ, દેશમાં ઉડતી લગભગ 50% કોમર્શિયલ ફ્લાઇટ્સ કોઈને કોઈ ટેકનિકલ ખામીનો સામનો કરી રહી છે. આ રિપોર્ટ બાદ હવે મુસાફરોએ ટિકિટ બુક કરાવતા પહેલા એરલાઇન્સની વિશ્વસનીયતા ચકાસવી અનિવાર્ય બની ગઈ છે.
ગયા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલે શોધી કાઢ્યું કે કુલ 754 કોમર્શિયલ ફ્લાઇટ્સમાંથી 377 વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ હતી. આ યાદીમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ટોચ પર છે. ઇન્ડિગોની 405 ફ્લાઇટ્સનું ઓડિટ કરાયું જેમાંથી 148માં ખામીઓ મળી હતી. જોકે, ટકાવારીની દ્રષ્ટિએ એર ઇન્ડિયાની સ્થિતિ વધુ ગંભીર છે. એર ઇન્ડિયાની 166 ફ્લાઇટ્સમાંથી 137 (લગભગ 82%) વિમાનોમાં ટેકનિકલ ઇશ્યુ જોવા મળ્યા હતા, જ્યારે તેની સબસિડીયરી એર ઇન્ડિયા એક્સપ્રેસની પણ અડધોઅડધ ફ્લાઇટ્સ ખામીયુક્ત જણાઈ હતી.

આ રિપોર્ટ માત્ર મશીનરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ માનવીય ભૂલો અને વ્યવહારુ ખામીઓ પર પણ પ્રકાશ પાડે છે. જૂન 2025 માં અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના અકસ્માત બાદ કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું કે,
બોઇંગ 787 અને 777 જેવા મોટા વિમાનો ઉડાવતા પાયલોટ્સની ટ્રેનિંગમાં મોટી ખામીઓ છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કેબિન ક્રૂની સંખ્યા પૂરતી હોતી નથી.
ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેના કારણે પાયલોટ્સ થાક અનુભવે છે.
ઘણી ફ્લાઇટ્સમાં ‘એક્સપાયર્ડ’ એટલે કે સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તેવા ઇમરજન્સી સાધનોનો ઉપયોગ થતો હોવાનું પણ ખુલ્યું છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ઉડ્ડયન ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા DGCA પોતે જ સંસાધનોની અછત સામે ઝઝૂમી રહી છે. રિપોર્ટ અનુસાર, DGCA માં 48.3% પદો ખાલી છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે એરલાઇન્સ પર અસરકારક રીતે દેખરેખ રાખવી અશક્ય બની રહી છે. જેના પરિણામે એર ઇન્ડિયાને અનેક ‘કારણ બતાવો નોટિસ’ આપવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. સંસદીય સમિતિએ આ મામલે કડક વલણ અપનાવતા તાત્કાલિક પ્રણાલીગત સુધારાઓની ભલામણ કરી છે. મુસાફરોની સુરક્ષા સાથે થતા આ ચેડાં અટકાવવા માટે ટેકનિકલ ઓડિટ વધુ કડક બનાવવું અને ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપી ભરતી કરવી અનિવાર્ય છે.


