વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના એક કર્મચારી દ્વારા 28 વર્ષીય મહિલાની નિર્મમ હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આરોપીએ ગજુવાકા વિસ્તારમાં મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચિંતાદા રવિન્દ્ર ભારતીય નૌસેનામાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. તેણે ઓનલાઇન ચપ્પુ ખરીદીને મૃતક પોલિપલ્લી મૌનિકાના શરીરના ટુકડા કર્યા હતા. શરીરના કેટલાક ભાગોને તેણે ફ્રીજમાં રાખ્યા હતા, જ્યારે માથું અને હાથ રવિવારે અદાવીવરમ પાસેની એક નિર્જન જગ્યાએ સળગાવી દીધા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે રવિન્દ્ર અને મૌનિકા ૨૦૨૧થી એકબીજાના સંપર્કમાં હતા. તેમની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. રવિન્દ્રની પત્ની એક મહિના પહેલા તેના પિયર ગઈ હતી, જે દરમિયાન આ ઘટના બની હતી. બંને અવારનવાર વિશાખાપટ્ટનમના વિવિધ જાહેર સ્થળોએ મળતા હતા.

આરોપીના નિવેદન મુજબ, મૌનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા લીધા હતા અને તેમના સંબંધો વિશે રવિન્દ્રની પત્નીને જાણ કરવાની ધમકી આપતી હતી. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે રવિન્દ્રએ મૌનિકાને પોતાના ફ્લેટ પર બોલાવી હતી, જ્યાં ઉગ્ર દલીલો બાદ તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


