પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પે ચર્ચા (PPC) 2026 ના બીજા એપિસોડમાં ભારતના વિવિધ શહેરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ પરીક્ષાના તણાવ, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાતો શેર કરતા તેમના સવાલના જવાપ આપ્યા અને શીખ પણ આપી. પરીક્ષા પે ચર્ચામાં એક વિદ્યાર્થીએ પીએમ મોદીને તેમની ચમકતી ત્વચા અને ફિટનેસનું રહસ્ય પૂછયું.
PPC 2026 ના બીજા એપિસોડમાં પીએમ મોદીએ તમિલનાડુ, ગુજરાત, ગૌહાટી અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દરમિયાન આ કાર્યક્રમમાં વિદ્યાર્થીએ પીએમ મોદીની તેમના સ્વસ્થ જીવનનું રહસ્ય પૂછયું હતું. ત્યારે વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે મારી ચમકતી ત્વચા અને ફિટનેસ માટે કોઈ ચોક્કસ આહાર નથી. તેમને વિવિધ સ્થળોએ મુસાફરી કરવી પડતી હોય છે. તેના કારણે ભોજનમાં જે કંઈ મળે છે તે ખાઈ લઉ છું. એવા પણ સંજોગો આવ્યા છે કે ઘણીવાર પોતાનું ભોજન જાત જ રાંધ્યું હોય. “ખીચડી” જેવી સાદી વાનગી તેમને વધુ પ્રિય છે.

પીએમ મોદીએ સ્વસ્થ રહેવા સાદા ભોજનને આહારમાં સામેલ કરવા પર ભાર મૂકયો. આહારને દવાની જેમ માની ખાવો જોઈએ. વ્યક્તિએ જાતે જ નક્કી કરવું જોઈએ કે તેણે કેટલું ખાવું છે. પેટ ભરીને ખાવું છે કે પછી મન ભરીને. વધુ પડતું ભોજન પેટ માટે જ નહીં શરીર માટે ઝેર સમાન છે. વધુ પડતું નહીં પરંતુ યોગ્ય માત્રામાં ખાવું જોઈએ. વ્યક્તિએ પોતાની શરીરની જરૂરિયાતોને સમજી ખોરાક ખાવો. સ્વાદના ચકકરમાં વધુ પડતું ભોજન ખાવાની આદત શરીરમાં બીમારીને આમંત્રણ આપે છે. યોગ્ય રીતે શ્વાસ લેવો પણ શરીર માટે ફાયદાકારક છે. વિદ્યાર્થીઓને પીએમ મોદીએ કહ્યું કે સાદું ભોજન સ્વસ્થ આરોગ્યની ચાવી છે.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ શારીરિક સ્વસ્થતા જાળવવા સૂચન કર્યું. તેમણે કહ્યું કે સ્વસ્થ રહેવા ફક્ત ખોરાક જ જરૂરી નથી. સાથેસાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. તમારે સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાનું છોડી રાત્રે નિયત સમયે સૂવુ જોઈએ. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સારી ઊંઘ લેવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે સારી ઊંઘ મનને તાજગી આપે છે અને નવા વિચારો લાવે છે. કસરત કરી ફક્ત શરીરને તંદુરસ્ત રાખવાના બદલે તમે યોગ અને મેડિટેશન કરી મનને પણ સ્વસ્થ રાખી શકો છો. સ્વસ્થ શરીર જ મન અને મગજનું સારું કાર્ય સુનિશ્ચિત કરે છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સ્વસ્થતા સાથે શિસ્ત જાળવવાનું સૂચન કર્યું.


